Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી વહાલભરી વાંસળીને છાતીસરસી ચાંપીને
અધરોષ્ઠ પર અડાડીને
એનો આસ્વાદ લેતાં
તમે ના જાણો કેટલા બધા વખતથી, અનંતકાળથી,
પૃથ્વી, પાતાળ, પર્વત, સરિતા, સમદર તથા ગગનમાં ફર્યા કરો છો
સ્વયં મુગ્ધ મસ્ત બનો છો ને મને કરો છો.

તમારા સુરીલા સ્વરોએ મને સંતૃપ્તિ ધરી છે,
ને તમારી કળાને કૃતાર્થ કરી છે.
દર્શકો તથા શ્રોતાઓને પણ તેથી તૃપ્તિ મળી છે.
મને એટલો સંતોષ છે કે મને જ નહિ,
બીજા અનેકને એથી જીવનની ધન્યતા વરી છે.

વાંસળી ભલે સમય સમય પર બદલાતી રહી,
એને તમારી સદાની સંનિધિ જ નહીં, છત્રછાયા મળી છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)