Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકાંત અરણ્યના આશ્રમમાં
હિમાચ્છાદિત પર્વતપંક્તિ વચ્ચે બે મઢૂલી હતી.
ઉભયની વચ્ચે થોડુંક અંતર હતું.
ના. ઊડીને આંખે વળગે એવું અધિક અંતર.
એમાં વરસોથી બે વિરક્ત પુરુષો વસતા.
એમની વચ્ચે સુમેળ નહોતો.
એક નાના છતાં મહત્વનાં મુદ્દા પર મતભેદ પ્રવર્તતો
– સ્ત્રીના મુદ્દા પર.

એક વિરક્ત સાધુ સાથે સુંદર સન્નારી હતી.
બીજાને એ નહોતું ગમતું. સાલતું.
એ એને માયા પારાવારમાં પડેલો માનતો.

એક રાતે આકાશમાં ચંદ્ર તથા તારા ટમકતા ત્યારે
બીજા વિરક્ત પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાનભંગ બનીને
પહેલાંની પાસે પહોંચીને કોલાહલ કરીને
એને ધ્યાનભંગ બનાવતાં જણાવ્યું,
તું માયાના પારાવારમાં પડ્યો છે,
તારું પતન થયું છે,
તારી સાથે સ્ત્રી છે.

પહેલા પુરુષે પ્રશાંતિપૂર્વક પ્રત્યુત્તર આપ્યો,
કોનું પતન, શાનું પતન?
માયાના પારાવારમાં કોણ પડ્યું, ધ્યાનભંગ થયું?
તારે માટે સ્ત્રી તે મારે મન નારાયણી છે, ત્રિપુરાસુંદરી.
સાથે રહીને જો તો ખરો કેમ રહેવાય છે!
તું તો દૂર રહીને પણ નિરાંતે નિશ્ચિંતતાપૂર્વક
નિર્મોહવૃત્તિથી નથી રહી શકતો.

ચંદ્ર તથા તારાએ પ્રતિઘોષ પાડ્યો
સાથે રહીને જો તો ખરો.
સહજીવનને અનુભવ તો ખરો.

વિરક્ત પુરુષ રોષે ભરાઈને ચાલી નીકળ્યો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)