Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પાણીમાં મીન પ્યાસી.

જન્મે જલમાં જીવે તેમજ મરે જલે અવિનાશી,
આનંદતણા અર્ણવમાંયે નિશદિન રહે ઉદાસી. ....પાણીમાં०

પાણી એને મન મથુરા ને પુરી દ્વારકા કાશી,
પ્રાણ રમે છે પુણ્યરસે પણ મટે ન પાતકરાશિ; ....પાણીમાં०

પુનમ છતાં ના પ્રકાશ તેમાં, તમ-સેના ના નાસી;
આઝાદીના ઉડે ફુવારા તોય ગળે છે ફાંસી. ....પાણીમાં०

સંપત્તિનો પાર નથી પણ દીનતા રહી હાસી,
અચરજ થાય અનોખું મુજને રંક સ્વર્ગનાં વાસી. ....પાણીમાં०

રડે ટળવળે વ્યથા ભોગવે શાશ્વત સુખનો રાશિ;
લોલ વિલોલ સુલોચન તોયે સૃષ્ટિ ન સાચી ભાસી. ....પાણીમાં०

- શ્રી યોગેશ્વરજી