Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકાદ વાર ક્ષણ સાંપડતી યુગોમાં
એવી પ્રસન્ન શુચિ મંગલ મૂલ્યવાન,
પ્રાકટ્યથી જ પ્રકટે પળમાં જ જેના
સંપૂર્ણ સર્જનમહીં નવદિવ્યપ્રાણ.

પ્રાકટ્ય એ તરત દિવ્ય વધાવવાને
સાનંદ તત્પર થઈ સઘળીય સૃષ્ટિ;
ને માત ભારત તણી કૃતકામ લાગી
સિદ્ધો સમેત કરવા મધુગીતવૃષ્ટિ.

*

આજે થયાં સફળ લોચન મ્લાન મારાં,
સંતાપ અંતર તણા સઘળા શમ્યા ને,
આશા ફળી, સુખદ ભાવિ તણાં હજારો
સ્વપ્નાં થયાં પ્રકટ રૂપ મહીં તમારા.

હો કાર્ય મંગલ સદા સઘળાં તમારા
વર્ષાવનાર વસુધા પર શાંતિવૃષ્ટિ,
માહાત્મ્ય માનવ તણું જગનું વધારો,
અર્પો સ્વમાનભર નિર્મળ નવ્ય દૃષ્ટિ !
*

સિદ્ધેશ્વર તમે સાચે મુક્તાત્મા પ્રભુદૂત શા
પ્રાર્થના સાંભળી મારી પધાર્યા પૃથ્વી પરે;
હરવા સંકટો મારાં ધરવા નવચેતના,
સત્કારું સ્નેહથી આજે વધાવું ધન્ય શા સ્વરે.

આદિ દેવ કહ્યા જેને પુરાણે પુરુષોત્તમ,
પ્રતિનિધિ તમે તેના સૃષ્ટિ કેરા શુભોત્તમ.
ધર્મસંસ્થાપના માટે સ્વેચ્છાથી પ્રકટો તમે,
માનવીમનને પ્રેરો ઉર્ધ્વગામી કરો, કરો
આલોકિત વળી આખી અવની આત્મતેજથી,
સંરક્ષક બનો સાચા નવજીવનને ધરો.

ધન્ય છે કુળ ને ધન્ય માતા તેમ પિતા વળી
કૃતાર્થ પૂર્વજો આજે તમારા જિંદગી ધરી.