Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેના હૃદયમાં જ્ઞાનનો પવિત્ર પ્રકાશ પથરાઈ ચૂક્યો છે, ને જેનો મોહ મટી ગયો છે, તેનામાં સમતા આવી જાય છે. તેની દૃષ્ટિ દૈવી થાય છે, ને સૌમાં રહેલા પરમાત્માનું દર્શન કરીને કૃતાર્થ થાય છે. તેની પાસે પરમ શાંતિનો એવો ખજાનો આવી જાય છે જે કોઈ કાળે ને કોઈયે ઉપાયે ખૂટતો નથી. સાધારણ માણસની શાંતિ સીમિત હોય છે. જુદી જુદી પરિસ્થિતિના પ્રભાવ નીચે તે ટકી શકતી નથી. પણ જ્ઞાની પુરૂષની શાંતિ અસીમ હોય છે. બધા જ પ્રકારના વાતાવરણમાં તે કાયમ રહે છે. કર્મ કે વ્યવહારની વચ્ચે પણ તેનો ભંગ થતો નથી, તેની દૃષ્ટિ અલૌકિક બની જાય છે. તેને માટે સંપૂર્ણ જગત નંદનવન જેવું બની જાય છે. કલ્પવૃક્ષનો મહિમા શાસ્ત્રોમાં જાણીતો છે, કલ્પવૃક્ષની નીચે બેસીને માણસ જે કામના કરે તે કામના પૂરી થઈ જાય છે એમ કહેવાય છે. પણ જ્ઞાની પુરૂષની વાત તો જુઓ. તેને માટે બધાં વૃક્ષો કલ્પવૃક્ષ જેવા બની જાય છે. તેને કોઈ કામના જ નથી. એટલે તે પૂરી કરવાની વાત જ ક્યાં રહે છે ! પાણીના બધા પ્રવાહો તેને માટે ગંગાજળ જેવા પવિત્ર બની જાય છે; ને બધી જાતની વાણી વેદવાણી જેવી મંગલ થઈ રહે છે.

સમદૃષ્ટિ ને તેના પરિણામે પ્રાપ્ત થનારી દશાની પ્રાપ્તિ સતત સાવધાની ને ઊંડું આત્મનિરીક્ષણ માગી લે છે. પરમાત્માને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છા ક્યારે જાગી શકે ? સૂરજનો ઉદય આકાશમાં ક્યારનોય થઈ ગયો છે. છતાં પણ હજી સુધી તેનો પ્રકાશ આપણા તરફ આવતો નથી. તેનું કારણ એ કે આકાશમાં વાદળાં ઉમટ્યાં છે. પ્રકાશ તેને લીધે દબાઈ ગયો છે. ધીરે ધીરે વાદળ વીખેરાઈ જશે, એટલે પ્રકાશ આપણી આજુબાજુ ફેલાવા માંડશે. તે પ્રમાણે અંતરના આકાશમાં સંસારના વિષયોની વાસનાના વાદળ ફેલાયેલાં છે. તેના પ્રભાવથી પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા મજબૂતપણે જાગી શકતી નથી. પરમાત્માની કૃપા પામીને જીવનને ધન્ય કરવાની ઈચ્છાવાળા માણસે સમજી લેવું જોઈએ કે ઈન્દ્રિયોનું સુખ અસાર છે. પરમાત્માની કૃપાના સુખ પાસે તે સુખ કાંઈ જ વિસાતમાં નથી. એ પ્રમાણે સમજી લઈને પરમાત્માની કૃપાપ્રસાદી મેળવવા માટે તેણે તૈયાર થવું જોઈએ.

‘હે અર્જુન, જે વિવેકી ને ડાહ્યા પુરૂષો છે, તે દુઃખના ઘર જેવા ઈન્દ્રિયોના ભોગોમાં ભૂલેચૂકે પણ રમતા નથી.’ એમ કહીને ભગવાન કહે છે કે ઈન્દ્રિયોના ભોગવિલાસમાંથી જેનું મન પાછું વળ્યું નથી, તેને વિવેકી કે જ્ઞાની કહી શકાય નહિ.

- શ્રી યોગેશ્વરજી