if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૩ એપ્રિલ, ૧૯૪૦

વહાલા ભાઈ,

તમારો પત્ર મને આજે જ મળ્યો છે. તમે સારા હશો.

સાચું છે કે સંજોગો માણસને પલટાવે છે, પણ અમુક શક્તિ મેળવ્યા પછી માણસ સંજોગોને પોતાને અનુકૂળ બનાવી શકે છે, એ પણ ક્યાં એટલું જ સાચું નથી ?

રખે માનતા કે મારી આ નિષ્ફળતાને હું નિષ્ફળતા માનું છું. મને તેનો જરાયે શોક કે હર્ષ નથી. હું સફળ થયો હોત તોય મારા મુખે એ જ ભાવ રમત જે આજે રમે છે. જીવનના વિસ્તૃત અને ઉમદા ક્ષેત્રમાં આવી પરીક્ષાઓને તો જરાય અગત્યનું સ્થાન નથી. ક્યાં જીવનની એ ઊર્ધ્વગામી ભાવના અને ક્યાં આ રાક્ષસી-અરે જરાય પાયા વિનાની એવી પરીક્ષાઓ ! આને તમે પરીક્ષાઓ કહો છો ? કોલેજમાંથી કેળવણી લઈને પ્રતિવર્ષ બહાર પડનારા યુવકને કેળવાયેલા કોણ કહી શકે ? વિવેકાનંદનાં વાક્યોને ફરી યાદ કરવાં પડશે ? ‘આ તમારી ડીગ્રીઓ અને પદવીઓ, શું સમુદ્રમાં એટલું પણ પાણી નથી કે આ બધાંની સાથે તેમને પણ એમાં ડુબાવી શકાય ?’

પણ આ બધું તમે જાણો છો. હું તો એમ જ માનું છું કે મારા જીવનમાં આવી કેળવણીને બહુ સ્થાન નથી. મારી કેળવણી પળેપળની છે. પળે પળે તે મને કેળવે છે, ને મને એવી શ્રદ્ધા છે કે મારા જીવનનો કોઈ પણ અણધાર્યો પ્રસંગ મારા ઉત્કર્ષ માટે જ હોવો જોઈએ. તે સનાતન શક્તિ-જગન્માતા પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે. તે જ મને દોરે છે. અંધારી ભેખડો ને ગુફાઓમાં પણ ફૂલની શય્યા પર ચાલતો હોઉં તેમ હું તેની પાછળ પાછળ ચાલ્યો જાઉં છું.

તમારી પાસે રહેતાં બેનને મારાં લાખલાખ વંદન હો ! એમના ચરણે મારાં હજાર-હજાર વંદન હો ! એમને તો મારો પરિચય પણ નહિ હોય. અત્યારના સમાજનું બંધારણ કંઈક એવું છે કે એક જ કુટુમ્બનાં ભાઈ-બહેનો પણ એકમેક સાથે ઘણી જ સહેલાઈથી હળીમળી શકે નહિ. મારાથી પણ એ બેન સાથે જરાય વાત થઈ શકી નથી. પણ મારો પૂજ્યભાવ તો એવો જ છે, જેવો તે વખતે હતો. બીજી બહેનો કરતાં તમારી વાત પરથી એમનામાં હું વધારે શુદ્ધિ ને દિવ્યતા જોઉં છું. પણ આપણો સંસર્ગ માત્ર ત્યારે જ કીમતી ગણાય જ્યારે આપણે જેના સંસર્ગમાં આવીએ, તેને પરમમય કરતા જઈએ-આદર્શ પ્રતિ દોરવા મથીએ.

ભાઈ, સ્ત્રીમાત્ર પરમશુદ્ધિ છે, સ્ત્રીમાત્ર જગદંબા છે. સ્ત્રી ન હોત તો પુરુષ જાણત નહિ કે પરમેશ્વર છે.

આપણને શુદ્ધ થવા દો, આપણને પવિત્ર થવા દો ને પછી હજારો વાવાઝોડાં ભલે વરસે, મોતના ઝંઝવાતો ભલે વાય, દ્વારિકા-નિમજ્જન વખતે ઊભેલા પીપા ભગતની જેમ આનંદ સ્મિતને વેરતા આપણે પ્રલયની ગરદન પર પાય મૂકીને ઊભા રહીશું : ચાલો, તમારા જેવા જ તેવી શક્તિ મેળવી શકશે.

વધારે શું ? તમારા પર મને પ્રેમ છે. ને છે તમારા અન્ય મિત્રો પર. બધાંને તો હું પત્ર લખી નથી શકતો અને એ મને ગમતું ય નથી, એ તમે જાણો છો. હવે આપણે મળીશું કે કેમ એ ના કહેવાય. છતાં પણ 'મા' પર શ્રદ્ધા રાખો ને શુદ્ધિ આચરતાં ધપ્યા જાવ. આપણે ભલે કાંઈ નહીં કરી શકીએ, આપણું જીવન યથાર્થ રીતે જીવી જાણીશું તો ય ઘણું છે. સમય મળ્યે પત્ર લખશો.

અત્યારે હિંદ વાટ જોઈને બેઠું છે. વિવેકાનંદ ને રામતીર્થ, અરે દયાનંદ ને પરમહંસ તો નહિ પણ શુદ્ધિની તાલાવેલી સેવનારા પુત્રો પણ આજે ભારતમાં કેટલા છે ? ક્યાં છે ? આજે તો જ્યાં ત્યાં જડવાદ જ જણાય છે. જીવન જેમ તેમ કરીને પસાર કરવું એ જ ઘણાનો પરમમંત્ર અત્યારે તો લાગે છે. આપણે પણ તેવા જ થઈશું કે ? તો પછી ભારત સંપૂર્ણપણે દરિદ્રી નહિ થઈ જાય ? ઈશ્વર વિચારી જ રહ્યો છે; 'મા' એ યોજના ઘડી જ રાખી છે.

આપણે પ્રતિદિન ઉમદા ચારિત્ર્યના પાયા પર ઊભા રહીએ અને વિરાટની સાથે એક થઈ જવાના પ્રયોગો આદરીએ. પ્રયત્ન કરો અને વિજય આપણો જ છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.