if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Death of Karna}

A fierce fight tested might of both great warriors - Arjun as well as Karna. After a while, Arjun gained an upper hand. Karna got terribly wounded and fell on the ground. When Arjun saw his opponent falling down, he decided to stop the attack in line with the established rules of war. At that juncture, Lord Krishna advised Arjun not to get carried away by principles but to grab the golden opportunity to win over Karna. Krishna emphasized  that if given a chance to recover, Karna would attack with renewed vigor. Arjun followed Krishna’s advise and continued his attack.

Soon, wheel of Karna’s chariot got stuck. He needed to pull it out but he could do it only if Arjun would give him a chance. Karna requested Arjun to stop for a while. He mentioned to Arjun that it was against set rules to attack on a warrior who has surrendered, who is wounded, who is asking for life, whose weapons have fallen apart or is without any weapon. Arjun was caught in two minds but Krishna commanded him to continue his salvo.

Krishna reminded Karna that it was also against set rules to capture and pull Draupadi in the court; it was also improper to defeat Pandavas deceitfully in the game of dice; it was also reprehensible to plan Pandavas' execution in the house of wax; it was also shocking to kill young Abhimanyu by engaging him from all sides and not fighting one-on-one with him. Karna became silent on hearing these facts. Arjun used the opportunity and killed Karna with his arrow.
The way in which war was fought may be controversial but it was without doubt that the war was fought to protect dharma. Had Karna lived righteously during his lifetime, his final moments would have been peaceful.

{/slide}

મહાભારતના મહાભયંકર યુદ્ધમેદાનમાં અર્જુન અને કર્ણનું ભીષ્ણ-અતિભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અર્જુનના શરપ્રહારથી કર્ણની દશા ખૂબ જ કફોડી બની ગઇ. એ અતિશય ઘવાઇ ગયો અને લથડિયું ખાઇને રણમેદાનમાં રથમાં મૂર્છિત બનીને ઢળી પડ્યો. એની મુઠ્ઠી ઢીલી પડી જવાથી એનું ધનુષ્ય એમાંથી સરકીને નીચે પડી ગયું.

કર્ણને એવી દયનીય દીન દશામાં દેખીને વીરપુરુષોના આદર્શને અનુસરનારા અર્જુને એની સાથેના સંગ્રામને સ્થગિત કરવાનો વિચાર કર્યો ત્યારે શ્રીકૃષ્ણે એને આપેલું માર્ગદર્શન ખાસ માનનીય છે. એ માર્ગદર્શન આ રહ્યું :

હે પાંડુપુત્ર ! તું પ્રમાદ કેમ કરે છે ? દોષોને જાણનારા વિદ્વાન પુરુષો પણ પોતાના શત્રુઓ અત્યંત દુર્બળ થઇ ગયા હોય તો તેમને ફરીવાર બળવાન થવા દેવાની એક ક્ષણવાર પણ રાહ જોતા નથી. તેમને દુર્બળ અવસ્થામાં જ મારી નાખે છે; કારણ કે વિશેષતયા સંકટના સમયમાં શત્રુઓને મારીને બુદ્ધિમાન પુરુષ ધર્મ તથા યશને મેળવી શકે છે. માટે જગતમાં સર્વશ્રેષ્ઠ વીર તરીકે પંકાયલા તારા સદાના શત્રુ કર્ણનો આ સમયે જ એકદમ નાશ કરી નાખવા માટે ઉતાવળ કર. આ કર્ણ સ્વસ્થ થશે કે તરત જ પૂર્વની પેઠે તારી સામે ધસી આવશે. માટે એને મારી નાખ.

અર્જુને શ્રીકૃષ્ણના માર્ગદર્શનને મંગલ માન્યું અને માન્ય રાખ્યું.

એણે ઉત્તમ પ્રકારના બાણો ચલાવીને કર્ણને વીંધવા માંડ્યો.

કર્ણે પણ ધૈર્યને ધારણ કરીને કોપાયમાન થયેલા સર્પોના જેવાં તીક્ષ્ણ બાણોને ફેંકવા માંડયા.

તેણે કાપેલા સર્પની પેઠે સુસવાટ કરનારાં છ બાણોથી શ્રીકૃષ્ણને વીંધી નાખ્યા.

અસ્ત્રોનો પ્રયોગ કરીને કર્ણ અર્જુનના અસ્ત્રોનું વારણ કર્યે જતો. અને અર્જુનને પણ મારતો રહેતો. એનાં અસ્ત્રોથી અર્જુનને પીડા પામેલો પેખીને શ્રીકૃષ્ણ બોલી ઊઠ્યા કે તું ઉપરાઉપરી અસ્ત્રોનો પ્રયોગ કરીને કર્ણના રથ પાસે પહોંચીને તેના પર શરવર્ષા કર.

એ વખતે કર્ણના રથના પૈડાંને પૃથ્વી વધારે ને વધારે ગળી જવા લાગી ત્યારે કર્ણ પોતાના રથ પરથી નીચે ઊતરી પડ્યો અને બંને હાથે રથના પૈડાંને પકડીને પૃથ્વીમાંથી બહાર ખેંચી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો તોપણ રથનું પૈડું બહાર ના નીકળ્યું.

એણે અર્જુનને જણાવ્યું કે તું એક મુહૂર્ત માટે યુદ્ધને બંધ રાખ. મારા રથનું પૈડું પૃથ્વીમાં ખૂંપી ગયું છે. હું તેને પૃથ્વીમાંથી બહાર કાઢું. આ જગતમાં તું એક મહાન પુરુષ તરીકે પ્રસિદ્ધ અને યુદ્ધકળામાં સર્વના કરતાં શ્રેષ્ઠ છે. સત્પુરુષોના વ્રતમાં સ્થિર રહેનારા શૂરવીર પુરુષો જેના કેશ વીખરાઇ ગયા હોય, જે યુદ્ધમાંથી પલાયન કરી જતો હોય, જે બ્રાહ્મણ જાતિનો હોય, જેણે પોતાની સામે હાથ જોડ્યા હોય, જે પોતાને શરણે આવ્યો હોય, જેણે શસ્ત્રોનો ત્યાગ કર્યો હોય, જે જીવિતની યાચના કરતો હોય, જે બાણ વિનાનો હોય, જેનું કવચ તુટી ગયું હોય, જેનાં આયુધો નીચે પડી ગયા હોય અથવા યુદ્ધમાં નાશ પામ્યા હોય તેવા શત્રુઓ પર પ્રહાર નથી કરતા. મને મારવો યોગ્ય નથી. કારણ કે તું રથમાં બેઠો છે અને હું પૃથ્વી પર આવી વિકળ અવસ્થામાં ઊભો છું. હું શ્રીકૃષ્ણ કે તારાથી ડરતો નથી. પરંતુ તું મહાન કુળની વૃદ્ધિ કરનારો એક ક્ષત્રિય પુત્ર હોવાથી તને કહું છું કે એક ક્ષણભર માટે થોભી જા.

કર્ણે સત્પુરુષોના ધર્મની વાત કરી એટલે શ્રીકૃષ્ણે એને ઉદ્દેશીને જણાવ્યું કે તારા અહોભાગ્યની વાત છે કે તું આ સમયે ધર્મને સંભારે છે. પણ સામાન્ય નિયમ એવો હોય છે કે નીચ પુરુષો જ્યારે સંકટમાં ડૂબી જાય છે ત્યારે મોટેભાગે દૈવની જ નિંદા કરે છે અને પોતાના નીચ કૃત્યોની નિંદા કરતા નથી. માત્ર એક જ વસ્ત્રવાળી દ્રૌપદીને તેં, દુર્યોધને, દુઃશાસને તથા સુબલપુત્ર શકુનિએ સભામાં પકડી મંગાવેલી તે વખતે તને ધર્મ દેખાયો ન હતો ? પાસાઓને ખોલી નહીં જાણનારા યુધિષ્ઠિરને જ્યારે ભરસભામાં દ્યુત રમાડયા અને દ્યુત વિષયના સંપૂર્ણ જ્ઞાનને લીધે શકુનિએ જ્યારે તેમને જીતી લીધા ત્યારે ધર્મ ક્યાં ગયો હતો ? હે કર્ણ ! બાર વરસનો વનવાસ વીતી ગયો હતો તોપણ તેરમે વરસે પાંડવોને તેં રાજ્ય આપ્યું ન હતું તે વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો ? વળી તારા મત પ્રમાણે ચાલીને રાજા દુર્યોધને ભીમસેનને સર્પો કરડાવ્યા તથા ઝેરવાળાં ભોજન જમાડ્યાં; તે વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો ? વારણાવતમાં કપટથી બનાવેલા લાક્ષાગૃહમાં પાંડવો નિદ્રાધીન હતા છતાં તેં લાક્ષાગૃહને સળગાવી મૂક્યું હતું ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો ? દ્રૌપદી રજસ્વલા હતી અને દુઃશાસનના હાથમાં સપડાઇ ને ઊભી હતી તેને જોઇને તું સભા વચ્ચે ખડખડાટ હસ્યો હતો; તે વેળા તારો ધર્મ ક્યાં ગયેલો ? દુષ્ટ પુરુષો નિરપરાધીની દ્રૌપદીને દુઃખ દઇ રહ્યા હતા છતાં તું ઊભો ઊભો જોઇ રહ્યો હતો તે સમયે તારો ધર્મ ક્યાં ગયેલો ? વળી હે રાધાપુત્ર ! ગજગામિની કૃષ્ણાને 'હે કૃષ્ણા ! પાંડવોનો હવે વિનાશ થઇ ગયો છે. તેઓ સદાને માટે નરકમાં જ પડ્યા છે; માટે તું કોઇ બીજા પતિને પસંદ કરી લે' એવું કહીને તું તેની સામે નિરખી રહ્યો હતો, તે વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો ? વળી ઓ કર્ણ ! રાજ્યલોભને લીધે શકુનિનો આશ્રય કરીને જ્યારે તેં પાંડવોને જુગાર રમવા બોલાવ્યા હતા, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો ! યુદ્ધમાં જ્યારે અનેક મહારથીઓએ બાળક અભિમન્યુને ચોતરફથી ઘેરી લઇને મારી નાખ્યો ત્યારે ધર્મ ક્યાં ગયો હતો ? જો એ વખતે ધર્મ ન હતો તો અત્યારે ધર્મની મોટીમોટી વાતો કરવાથી શું વળવાનું છે ? આજે તું જીવતો છૂટી નહીં શકે.

પાંડવો પોતાના બાહુબળથી શત્રુઓનો સંહાર કરીને પોતાના રાજ્યને પાછું મેળવશે. હંમેશા ધર્મની છાયામાં શ્વાસ લેનારા એ પુરુષસિંહો ધૃતરાષ્ટ્રના સઘળા પુત્રોનો સંહાર કરશે.

શ્રીકૃષ્ણના શબ્દોને સાંભળીને કર્ણે લજ્જાને લીધે મસ્તક નમાવી દીધું.

એણે ધનુષ્યને ઉઠાવીને અર્જુન સાથે લડવા માંડયું.

શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે કર્ણ પાછો રથ પર બેસે તે પહેલાં બાણ મારીને તેના મસ્તકને કાપી નાખ.

અર્જુને ઉત્તમ અંજલિક બાણને મારીને કર્ણનું મસ્તક કાપી નાખ્યું.

કર્ણના શરીરમાંથી પરમ પ્રખર તેજ બહાર નીકળ્યું અને આકાશપ્રદેશમાં પ્રસરીને છેવટે સૂર્યમંડળમાં પ્રવેશ પામ્યું.

કર્ણને મરણ પામેલો જોઇને પાંડવપક્ષના યોદ્ધાઓ ઉચ્ચસ્વરે શંખો વગાડવા લાગ્યા. હર્ષમાં આવી ગયેલા શ્રીકૃષ્ણ અને અર્જુન પણ શંખનાદ કરવા લાગ્યા.

કર્ણ મરાયો એટલે ભયભીત થયેલા અને યુદ્ધમાં ભયંકર રીતે વીંધાઇ ગયેલા કૌરવો અર્જુનના જાજ્વલ્યમાન સ્વરૂપવાળા મહાન ધ્વજને જોતાં જોતાં રણમાંથી પલાયન કરી ગયા.

દુર્યોધનની પીડાનો પાર રહ્યો નહીં.

કર્ણે જીવનના અંત સમયને સમીપ સમજીને ધર્મને યાદ કરીને ધર્મની વાત કરી પરંતુ એ ધર્મનું આચરણ એણે શ્રીકૃષ્ણના કથનાનુસાર પ્રથમથી જ કર્યું હોત તો ? એ ધર્માચરણ એની મહામૂલ્યવાન મૂડી બનીને એની પળેપળ રક્ષા કરત. એને માટે અભેદ કવચ બનત. ધર્મની વાતો કરનારા અને પોતાની પીડા, પ્રતિકૂળતા તથા દુર્દશાને માટે ધર્મને દોષ દેનારા કેટલાકવાર ભૂલી જાય છે કે પોતે ધર્મમય જીવન ભાગ્યે જ જીવે છે. જીવ્યા હોય છે, અને અધિકતર અધર્મને માટે જ આગળ વધ્યા કે વધતા હોય છે. ધર્મ સદા સંરક્ષક તથા તારણહાર બને છે એ સત્યમાં શંકા નથી કરવાની. એમાં વિશ્વાસ સાથે આગળ વધવાનું છે. એથી સરવાળે લાભ જ પહોંચશે, હાનિ નહીં થાય. મહાભારતનું યુદ્ધ સત્પુરુષોના શ્રેષ્ઠ સિદ્ધાંતોને સાચવીને લડાયું હતું અને શ્રીકૃષ્ણે, અર્જુને અને પાંડવોએ સર્વત્ર ધર્મ જ આચરેલો કે કેમ એ સંબંધી શંકા થવાનો સંભવ છે. એ શંકા સાચી હોય શકે છે તોપણ એ યુદ્ધ પાંડવોના પોતાના જીવનધર્મની રક્ષા માટે લડાયેલું અને અનીતિ અથવા અધર્મના અંત માટે એની સામે આરંભાયેલું, એટલું તો નિઃસશંય કહી શકાય તેમ છે. યુદ્ધની નીતિ કે પદ્ધતિ વિવાદાસ્પદ હોઇ શકે; ધર્મે અધર્મનો પ્રતિકાર કરવો જોઇએ એ સિદ્ધાંત વિવાદાસ્પદ નથી લાગતો.

કર્ણનો મૃત્યુસમય સમીપ આવ્યો ત્યારે મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે તે પરશુરામે આપેલા બ્રહ્માસ્ત્રને ભૂલી ગયો, તેનો રથ ડોલવા લાગ્યો અને તેનું પૈડું પૃથ્વીમાં પ્રવેશ્યું તેથી તે વિહવળ બનીને કહેવા લાગ્યો કે ધર્મવેત્તા મહર્ષિઓ જણાવે છે કે જે પુરુષ સર્વત્ર ધર્મને જ મહત્વનો માને છે તે પુરુષનું ધર્મ રક્ષણ કરે છે. ધર્મજ્ઞ મહાપુરુષોના એવા અનુભવસિદ્ધ અભિપ્રાયને અનુસરીને અમે શાસ્ત્રાનુસાર સદા ધર્માચરણ કરવાનો પ્રયત્ન કર્યો છે તો પણ ધર્મ જ અમારો નાશ કરી રહ્યો છે. માટે હું માનું છું કે ધર્મ તેના ભક્તોનું પરિપાલન નથી કરતો.

કર્ણના એ ઉદગારો કેટલા બધા આધાર વિનાના હતા તે સહેલાઇથી સમજી શકાય છે.

માનવ કોઇવાર સ્વાર્થ, લોભ, લાલસા, અહંકારને લીધે ધર્મને સમજવામાં ભૂલ કરી બેસે અને ધર્મને અધર્મમાં અથવા અધર્મને ધર્મમાં ખપાવે, પરંતુ  ધર્મની દૃષ્ટિ સદા સત્યવતી હોય છે. પોતાના સ્થાન અને સ્વરૂપને ઓળખવામાં કે સમજવામાં તે સહેજ પણ ભૂલ નથી કરતો. એ એના કર્તવ્યનું પાલન કોઇ એને પુરસ્કરે કે ના પુરસ્કરે તોપણ સ્વાભાવિક રીતે, નિરપેક્ષપણે કરતો જ રહે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.