Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા જીવનની દોરી દીધી તારાથી જોડી.

મમતા ને આસક્તિ સઘળી, જો કે રમત ઘણીયે અઘરી,
તુજમાં એક કરી છે પ્રીત, પ્રીતિ બીજી છે છોડી. ... મારા જીવનની.

પંખી માળામાં જ્યમ જાયે, સાગરમાં જ તરંગ સમાયે;
વૃત્તિ મનની તેમ બધી મળતી તારામાં દોડી. ... મારા જીવનની.

ચિંતા હવે સતાવે શાને, સંકટ ખેંચે મારું ધ્યાને,
ક્લેશ શમ્યા સઘળાય હવે, બેડી બંધનની તોડી. ... મારા જીવનની.

સોંપ્યું સુકાન તુજને જ્યારે ભય કે શોક પછી ક્યાં મારે,
સઘળું સાથ સલામત તારે, તરશે ક્ષેમકુશળ હોડી. ... મારા જીવનની.

ગર્જે ઘોર તરંગો છોને, સુસવાટા વાયુના જોને;
ભેખડ ભલે ભયંકર તોયે શ્રદ્ધા ડગશે ના કોદી. ... મારા જીવનની.

જેને સ્નેહ થયો તુજ સાથે તે તો જીતે જીવનવાટે;
‘પાગલ’ સાથ તમારો આપી દળદર દેજો સૌ ફોડી. ... મારા જીવનની.

(૩૧-૧૦-૧૯૫૭, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit