Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હૃદયમાં પ્રેમ જો જાગે.
વહાલની ભરતી ભરેલી વેણુ શી વાગે ! ... હૃદયમાં.

અંગમાંથી આંખમાંથી એક અનુરાગે,
ફુવારા ઊડે હરખના, શોક ભય ભાગે. ... હૃદયમાં.

રાજ્ય ને વૈભવ જગતના સ્વલ્પ સૌ લાગે;
અન્ય મુક્તિ સ્વર્ગસુખ ના મન પછી માગે. ... હૃદયમાં.

સાધના કૈંયે રહે ના, વાસના ત્યાગે;
જિંદગી સોહાય દૈવી મંગલ સુહાગે. ... હૃદયમાં.

ભલે જાગે તેમ વાધે, ઉર ભરે રાગે;
પ્રાણ ‘પાગલ’ના તમારું ફૂલ હો બાગે ! ... હૃદયમાં.

(૨૦-૧૧-૧૯૫૭, બુધવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit