ધુમ્મસ છવાઈ ગયું ઘોર ચારેકોર,
વાદળનો થઈ રહ્યો કેવો વળી શોર !
ઊપર નીચે ને બધે વ્યાપ્યો અંધકાર,
રવિતણું રશ્મિ કરે કેમ કરી પાર !
કૃપા કરો, ચમત્કાર કૈંક જો કરો,
તો જ ટળે અંધારું આ, કૃપા જો કરો !
અંધારી આ રાત બધે વ્યાપી છે રહી,
દિવસનું તેમાં નથી ઠેકાણું કહીં;
સૂઝે નહીં પંથ તેમાં પ્રવાસ શે થાય,
આગે બઢવાનો મળે એકે ના ઉપાય.
કૃપા કરો, ચમત્કાર કૈંક જો કરો,
તો જ મળે માર્ગ મને, કૃપા જો કરો !
તમારી કૃપામાં મને શ્રદ્ધા છે અખૂટ,
ભંડાર તમારો વળી ભર્યો લખલૂટ;
ચિંતા તેથી દુઃખદર્દ સતાવે ના કૈં,
ભીતિ તેમ મુસીબત નાસી બધી ગૈ.
કૃપા કરો ને ચાહો તે સઘળું કરો,
‘પાગલ’ પ્રેમીને માટે સર્વસ્વ ધરો.
(૫-૨-૧૯૫૮, બુધવાર)
– © શ્રી યોગેશ્વરજી

