દુઃખ પડે સંકટ આવે તો રડવાથી શું થાય,
ચિંતાના વધુ વધુ ચક્રાવે પડવાથી શું થાય ?
સહન કરી લે શાંત થઈને ઉપાય સાચો એજ,
શ્રદ્ધા રાખી પરમાત્મામાં તર ત્રિતાપને સ્હેજ.
મુસીબતોના મહેરામણ હો મારગમાં છોને,
પોક મુક્યાથી વળે ન કૈંયે, કહો વળી કોને ?
સહન કરી લે શાંત થઈને ઉપાય સાચો એજ,
શ્રદ્ધા રાખી પરમાત્મામાં તર ત્રિતાપને સ્હેજ.
જીવનમાં તો અનેક આવાં સંકટ કરવા પાર,
પ્રવાસ કપરો આવે એમાં લાખ ચઢાવ ઉતાર;
કંટક વેઠી ગુલાબકેરો સદા માણવો સાર,
ધીરજ ને હિંમતથી સહવા ઘોર મોતના માર.
માટે હિંમતવાન બની જા, આંસુ લુછી લે તું,
મક્કમ કર મનને તો રેશે ના મુશ્કેલ કશું;
સહન કરી લે શાંત થઈને ઉપાય સાચો એજ,
શ્રદ્ધા રાખી પરમાત્મામાં તર ત્રિતાપને સ્હેજ.
(૧૦-૫-૧૯૫૮, શનિવાર)
– © શ્રી યોગેશ્વરજી

