હજી તમે કેમ કરી ન કૃપા ?
શાને વરસાવી ન સુધા ?
આતુર અંતર લગન ભરેલાં લોચન તેમજ આ,
ઝંખે તમને રાતદિવસ તો તૃપ્ત કરો ના કાં ? ... હજી તમે.
અરજ કરીને બેસી રહ્યો છું તોય ટળી ન તૃષા;
પોકાર કરું તેમજ પ્રાર્થું, શાને જાય વૃથા. ... હજી તમે.
રોજ સવારે સજ્જ થઈને ગીત ધરું છું નવાં;
‘પાગલ’ પ્રાણ પડ્યો પીડામાં કેમ કરો ન દવા ? ... હજી તમે.
અરજ સુણીને આવો સવેળા, પામું નવલ હવા;
જોજો બિરદ તમારું લજાયે, કીર્તિ દેશો ન જવા. ... હજી તમે.
(૧૧-૬-૧૯૫૮, બુધવાર)
– © શ્રી યોગેશ્વરજી

