નાવ ભલે ડોલે.
સાધક, જોજે હિંમત હારે, શ્રદ્ધા શઢ ખોલે. ... નાવ.
આ સિંધુની સફર ન સહેલી, કવિજન કૈં બોલે;
ઉત્તુંગ તરંગો ગરજે છો, બઢ તું મન ભોળે. ... સાધક, નાવ.
ચમકારા જોઈ ના ડર તું સુસવાટા છો લે;
ચિંતા જોરે અંતર તારું ફોગટ ના ફોલે. ... સાધક, નાવ.
મહાપદ મળ્યું છે માનવને પ્રાણતણે તોલે;
અખંડ શ્રદ્ધા રાખ સદાયે, પ્રિયતમને કોલે. ... સાધક, નાવ.
(૧૫-૬-૧૯૫૮, સોમવાર)
– © શ્રી યોગેશ્વરજી

