બેઠો બે કર જોડી શું !
લમણે હાથ દઈ મ્લાન થઈ રડતો અંતર તોડી શું ! ... બેઠો
યોદ્ધા લડે ઝઝૂમે રણમાં, વરે વિજયને આખર શું;
બેચાર પડ્યા ફટકા ત્યાં તો બેચેન બની બેઠો તું ! ... બેઠો.
હિંમત હારી મનને મારી કેમ નિસાસા નાખ હજુ;
જીવનનો આ જંગ જટિલ છે, પાછો પડ ના વીર, તસુ. ... બેઠો.
ભરદરિયામાં જાય ખલાસી લાવે ત્યારે કૈંક વસુ,
તું પણ તેમજ સફર કરી લે, કઠિન રહેશે ના જ કશું ... બેઠો.
શ્રદ્ધા રાખી, હિંમત ધારી, સ્મરતા શ્વાસોશ્વાસ પ્રભુ,
‘પાગલ’ પુરુષાર્થી થા પૂરો, ભયભીત થઈ બેઠો શું ! ... બેઠો.
(૨૨-૫-૧૯૫૮, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી

