MP3 Audio
*
ચાર દિવસની બાજી, જીવન ચાર દિવસની બાજી.
ધર્મ વળી શુભ કર્મ કરી લે, ચાર દિવસની બાજી ... જીવન
મોટામોટા પંડિત ચાલ્યા, ચાલ્યા મુલ્લાંકાજી,
હુકમદાર ચાલ્યા ને ચાલ્યા કરનારાંયે હાજી...જીવન
જ્ઞાનીયોગી તપસી ચાલ્યા પુણ્યાત્મા ને પાજી,
અમરપટો કોઈને ન મળ્યો, ચાલ્યા મહંતમાજી ... જીવન
કોઈ હસતાં કોઈ રોતાં, ખિન્ન થઈ કે રાજી,
બાજી છોડી જવું બધાએ, એની છે નહિ નાજી ... જીવન
પોતાનાં ને ગણ્યાં પારકાં, કાયા મેલી તાજી,
માયા તેની મુકી ચાલવું નોબત જેવી વાજી .... જીવન
કાળ સર્વનો કરે કોળિયો ગણતા કોઈ ભાજી,
પાગલ સાધી લે સ્વારથ તું, રહે નહીં કે લાજી .... જીવન
- શ્રી યોગેશ્વરજી

