જીવન હો તો હો એવું !
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! ... જીવન હો તો
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું ... જીવન હો તો
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે'વું ... જીવન હો તો
કૂડકપટ ને કલંકથી પર એની હો કાયા,
શરણાગત પર સદાય ઢાળે સુધાતણી છાયા;
'પાગલ' વાળી દે કર્મ કરી ભવભવનું દેવું ... જીવન હો તો
- શ્રી યોગેશ્વરજી

