Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જરા દર્પણમાં જુઓ તો, શું કહું છું હું,
રૂપ છે રળિયામણું રસથી ભર્યું મધુરું,
મહીને મોહાવનારું, વિશ્વમાં અદકું,
પ્રાણ છે 'પાગલ' થયો આશ્ચર્ય એમાં શું ?

મુગ્ધ છે બ્રહ્મા તમારા રૂપને ભાળી,
તેમ વિષ્ણુ શંભુ જીવે ઉર દઈ વારી;
સૂર્ય ને નક્ષત્ર ગ્રહ સૌ આસપાસ ભમે,
શી નવાઈ મન મહારું ચરણમાં જ રમે?

નદી નેહનશે ભરાઈ જાય છે દોડી,
પર્વતો ઊભા હૃદયને ધ્યાનમાં જોડી;
તમારા સ્નેહે રહી સૃષ્ટિ સકળ સોહી,
ના પછીથી કેમ મારું મન રહે મોહી ?

તમે છો સંપૂર્ણ સુખ ને શાંતિની મૂર્તિ,
તમારા વિણ થાય ના આનંદની પૂર્તિ;
તમારી જ કૃપાથકી મળતી ખરે મુક્તિ,
ભુક્તિ મળતી, જીવવાની પણ મળે જુક્તિ.

માતને મૂકી જશે બાળક કહોને ક્યાં,
સૂર્યને છોડી કિરણ વિચરી શકે છે ક્યાં?
તમારા વિણ હોય શેં અસ્તિત્વ મારું આ,
રાત ત્યાં દિન ને રહે છે તાપ ત્યાં છાયા.

ગુણ તમારા તેમ શક્તિ તમારી કેવી !
વિશ્વની ધાત્રી વિધાત્રી છો તમે દેવી !
તમારી જ કૃપાથકી જન તરે ને તારે,
શી નવાઈ દિલ તમોને દેખતાં વારે ?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit