ચિત્ત કદીય ડગે ના, તારું
ચિત્ત કદીય ડગે ના.
આવે ઘોર નિરાશા તોયે
થાયે ચલિત રજે ના,
આશા ને હિંમત ના છોડે,
એકલ જેમ રડે ના ... તારું ચિત્ત
દુઃખદર્દનો દાવાગ્નિ પણ
એનું હીર હરે ના;
વ્યથા વ્યાધિ ને પતન થકીયે
એનો પ્રાણ મરે ના ... તારું ચિત્ત
સંજોગો પ્રતિકૂળ બને પણ
એની ધૂન મટે ના;
અંધારા પંથે પણ એનો
પુણ્યપ્રકાશ ખૂટે ના ... તારું ચિત્ત
મૃત્યુના મુખમાં પણ જોજે
શોકિત સ્હેજ બને ના;
'પાગલ' એની અમર આશને
હાર કદીય હણે ના ... તારું ચિત્ત
- શ્રી યોગેશ્વરજી

