if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિના સ્વર્ગીય સત્સંગની અસર નીચે આવીને અલઘમ્માનું જીવન વધારે પવિત્ર બનતું ગયું. એમનું મન અધિકાધિક ઈશ્વરપરાયણ બનવા માંડ્યું. એમને અભિનવ દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થઈ. એમના સંતપ્ત અંતરને શાંતિ મળી. એની અંદર પ્રેરણાના પાર વગરના પવિત્ર પતિતપાવન પ્રવાહો પેદા થયા. મહર્ષિની અનુમતિ લઈને એમણે એક દિવસ કાષાય વસ્ત્રો ધારણ કર્યાં અને અનાસક્તિપૂર્વક આશ્રમવાસીઓની સેવા કરવા માંડી.

એમના જીવનનાં છેલ્લાં બે ત્રણ વરસ દરમિયાન એમનું શરીર અવાનવાર અસ્વસ્થ રહ્યું. માંદગી અથવા અસ્વસ્થતાના એ દિવસોમાં મહર્ષિએ દિવસ કે રાત જોયા વિના એમની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી. એ અવસ્થાએ એમની અંદર નવા મનોબળનો સંચાર કર્યો અને એમની આત્મશ્રદ્ધા તથા ઈશ્વરપરાયણતાને વધારી. એમની સાંસારિક આસક્તિઓ નામશેષ બની હોવાથી મહર્ષિના સુધામય સંસર્ગમાં શાંતિનો અનુભવ કરતાં એ અગ્નિપરીક્ષામાં એ પસાર થતાં રહ્યાં.

* * *          * * *          * * *          * * *

શેષાદ્રિ સ્વામીને મહર્ષિને માટે માન હતું. એ અલઘમ્માને તથા નાગસુંદરમને મહર્ષિ સાથે રહેતા જોઈને પ્રસન્ન થતા ને ભક્તોને કોઈક વાર વિનોદમાં કહેતા :

 ‘એમની પાસે ખુશીથી જઈ શકો છો. એ ગૃહસ્થ છે ને તમને મિષ્ટાન ખવડાવશે. ત્યાં જવામાં હરકત નથી.’

શેષાદ્રિ સારી પેઠે સમજતા કે મહર્ષિની સાથે ગમે તેટલા ભક્તો, પ્રશંસકો કે કુટુંબીજનો રહેતા હોય તો પણ એમની આત્મનિષ્ઠા એવી જ અકબંધ અથવા અખંડ છે અને એ સર્વ પ્રકારની મમતા, અહંતા અથવા આસક્તિથી પર છે. એમની અલિપ્તતામાં બાહ્ય વાતાવરણને લીધે કશો જ ફેર નથી પડે તેમ. એ કદાચ કોઈ સંજોગોમાં ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય તો પણ ગૃહસ્થાશ્રમી નથી બની શકે તેમ એની એમને પૂરેપૂરી પ્રતીતિ હતી. એમની તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત કરાયલી ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક અવસ્થાથી એ સુપરિચિત હતા.

* * *          * * *          * * *          * * *

ઈ.સ. ૧૯૨૨ના મે માસમાં મહર્ષિની માતા અલઘમ્માનું સ્વાસ્થ્ય બગડી ગયું. એ ખૂબ જ બીમાર પડી ગયાં. એ વખતે એ મહર્ષિની સાથે સ્કંદાશ્રમમાં રહેતાં. એમની શક્ય એટલી સઘળી સેવા કરવામાં આવી, જુદી જુદી જાતની દવાઓનો આધાર લેવામાં આવ્યો; ને બીજા કુદરતી ઉપચારોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું, પરંતુ એમનું સ્વાસ્થ્ય ના સુધર્યું. મહર્ષિ પોતે પણ એમની પથારી પાસે રહીને બનતી સેવા કરતા રહેતા. એમણે તથા ભક્તોએ બનતા બધા જ પ્રયત્નો કરી જોયા છતાં પણ કશું વળ્યું નહિ ત્યારે બધું ઈશ્વરના આધારે છોડી દીધું.

અલઘમ્માનો અંતકાળ હવે નજીક આવી પહોંચ્યો છે અને એ કોઈ પણ ઉપાયે નહિ બચી શકે એ સંબંધી કોઈને લેશ પણ સંદેહ ના રહ્યો. આશ્રમવાસીઓનાં મન ઉદાસ બની ગયાં, પરંતુ એવા વિપરીત કે કરુણાતિકરુણ સંજોગોમાં પણ મહર્ષિનું મનોબળ ના તૂટ્યું. એ એવા જ સ્વસ્થ ને શાંત રહ્યા. પોતાની માતાના વર્તમાન જીવન પર અંતિમ પડદો પડી જવાનો છે એ હકીકતને જાણી લીધા છતાં પણ એમની સ્થિતપ્રજ્ઞ નિર્વિકાર દશામાંથી એ ડગ્યા નહિ. એ ધીરજ તથા હિંમતની મૂર્તિ બનીને પોતાની માતાને આત્મજ્ઞાનનો અમૃતમય ઉપદેશ આપતા રહ્યા.

અલઘમ્માની એ બિમારી એમના જીવનની અંતિમ બીમારી હતી એ વાતને એ પોતે પણ સમજી ગયાં. મહર્ષિના સંસર્ગ ને સત્સંગના પ્રકાશપ્રદાયક પુણ્યપ્રભાવને લીધે એમણે પણ બનતી સ્વસ્થતા રાખીને મનને ઈશ્વરમાં જોડી દીધું. વૈશાખ વદ નવમને દિવસે એમની સ્થિતિ બગડી ગઈ. પરિણામે સંબંધીઓ તેમ જ સ્નેહીઓને તાર દ્વારા સમાચાર મોકલવામાં આવ્યા.

મહર્ષિની સૂચનાનુસાર ભક્તોમાંના કેટલાક અલઘમ્મા પાસે બેસીને નામસંકીર્તન કરવા લાગ્યા તો બીજા કેટલાક વેદમંત્રો તેમ જ સ્તોત્રોના ઉચ્ચારણમાં લાગી ગયા. એને લીધે વાતાવરણ ખૂબ જ વિશુદ્ધ અને ઈશ્વરમય બની ગયું. સ્કંદાશ્રમનાં પરમાણુ ત્યાં થઈ રહેલી સતત સાધનાને લીધે પવિત્ર તો હતાં જ, તે વધારે પવિત્ર બની રહ્યાં. માતાનું જીવન હવે ઘણું જ થોડું રહ્યું છે એ જાણી લઈને મહર્ષિએ પોતાની અંતિમ ફરજને નિષ્કામભાવે બજાવવાનો વિચાર કરીને એમના હૃદય પર હાથ મૂક્યો ને બીજો હાથ મસ્તક પર રાખીને વિશેષ શક્તિના પ્રયોગ દ્વારા અંતરને શાંત કરવા માંડ્યું એ વખતે એમનો ઊર્ધ્વ શ્વાસ ચાલી રહેલો. એ સુધામય શક્તિસંચારક સ્પર્શથી એમની પુરાણી વાસનાઓની ગ્રંથિઓને તોડી નાખીને એમણે એમના આત્માને બંધનમુક્ત કરી, શાંતિ આપીને, શ્રેયના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એ પ્રયત્ન પરિપૂર્ણપણે સફળ થયો.

કાળદેવતાએ પોતાનો કાર્યક્રમ અગાઉથી સુનિશ્ચિત કરી નાખેલો તે પ્રમાણે ભક્તોના ભગવન્નામોચ્ચારની વચ્ચે અલઘમ્માનો આત્મા, પક્ષી જેમ પિંજરનો પરિત્યાગ કરે તેમ, ૧૯ મી મે ૧૯૨૨ની રાતે આઠ વાગે સ્થૂલ શરીરને છોડીને બહાર નીકળ્યો. વૈશાખ વદ નવમનો એ દિવસ એમના દેહત્યાગનો ચિરસ્મરણીય દિવસ બની ગયો.

માતાના સ્વર્ગવાસથી મહર્ષિને શોક ના થયો. એમના મુખમંડળ પર દુઃખનું કોઈ ચિન્હ ના દેખાયું. એ આત્માની અમરતાને સારી પેઠે સમજતા હોવાથી એમનું મન સહેજ પણ બેચેન ના બન્યું. એમના વદન પર ઊંડી શાંતિ ને પ્રસન્નતા દેખાવા લાગી. એક કરવા જેવા મહત્વના કાર્યને કર્યાને સંતોષ એ વદન પર સ્પષ્ટ દેખાઈ આવ્યો. પોતાને ફાળે આવેલી જવાબદારીને એમણે અત્યંત પ્રેમપૂર્વક પૂરી કરી. એથી વિશેષ ધન્યતા બીજી કયી હોઈ શકે ? અજ્ઞાની જ મૃત્યુનો શોક કરે છે, જ્ઞાની નથી કરતો. મૃત્યુના રહસ્યને જ્ઞાની સારી પેઠે સમજી ચૂક્યો હોવાથી એથી અસ્વસ્થ નથી બનતો.

માતાની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી એમના શરીરત્યાગની સંભાવનાથી મહર્ષિએ અને બીજા ભક્તોએ એમની પાસે બેસી રહીને દિવસ દરમિયાન દીર્ઘકાળ પર્યંત પ્રતીક્ષા કરી. એને લીધે કોઈએ ભોજન ના કર્યું. સાંજે ફરી રસોઈ તૈયાર થઈ ત્યારે ભૂખ્યા આશ્રમવાસીઓ તરફ ફરીને માતા અલઘમ્માના સ્વર્ગવાસ પછી મહર્ષિએ કહ્યું કે ‘આપણે હવે ભોજન કરી લઈએ. આપણને સૂતક નથી લાગતું. ચાલો.’

એમની સૂચનાનુસાર શિષ્યો તથા ભક્તો તૈયાર થઈ ગયા ને સૌએ ભોજન કર્યું.

એ ઘટના પરથી મહર્ષિના મજબૂત મનોબળનો પરિચય થાય છે. માતાના કે એવા જ કોઈ બીજા સ્વજનના મૃત્યુ પછી તરત કોઈને જમવાનું ના ગમે એ સ્વાભાવિક છે. એવે વખતે એ ના જમે તે સારી પેઠે સમજી શકાય તેમ છે. ના જમવામાં કશું ખોટું પણ નથી, પરંતુ મહર્ષિની વાત જુદી હતી. એ ત્યાગી, જ્ઞાની અને આત્મનિષ્ઠ હતા ને જાણતા’તા કે આત્માને કોઈ જાતનું સૂતક નથી લાગતું. એમનો વ્યવહાર એમની એ અવસ્થાને અનુરૂપ અને અસાધારણ હતો. સૌ કોઈએ એનો વાદ લેવાની આવશ્યક્તા ન હોય એ દેખીતું છે. એમની તપશ્ચર્યા, સાધના કે નિષ્ઠાનો વાદ પણ સૌ કોઈથી ક્યાં લઈ શકાય તેમ છે ?

* * *          * * *          * * *          * * *

અલઘમ્માના જીવન પર પડદો પડી ગયો. રાતભર શરીર પડ્યું રહ્યું. સવારે એનું શું કરવું એ પ્રશ્ન ઉદભવ્યો. મહર્ષિએ પહેલાં એકવાર વિષય નીકળતાં જણાવેલું કે શરીરત્યાગ કરનારી ત્યાગમૂર્તિ સ્ત્રીના શરીરને બાળવાને બદલે દાટવું જોઈએ. એને પાણીમાં પ્રવાહિત પણ કરી શકાય. એમનો એ અભિપ્રાય સૌને માટે માર્ગદર્શક આદેશરૂપ થઈ પડ્યો. અલઘમ્માના શરીરને વિધિપૂર્વક દાટવાનો અને ઉપર સમાધિ બનાવવાનો સૌએ નિર્ણય કર્યો.

અલઘમ્માના મૃત્યુ સમાચાર સાંભળીને બીજે દિવસે આમ્રગુફામાંથી ગણપતિ શાસ્ત્રી પણ આવી પહોંચ્યા. તિરુવણ્ણામલૈમાં એ સમાચાર ફેલાવાથી લોકોનાં ટોળેટોળાં મહર્ષિ જેવા મહાપુરૂષને જન્મ આપનારી એ મહાન નિરક્ષર ગ્રામમાતાને અંતિમ અંજલિ અપર્વા માટે આવવા માંડ્યાં. જાણે કે મમતાયુક્ત માનવમહેરામણ ઊમટી પડ્યો. અરૂણાચલનું દૃશ્ય અવનવું બની ગયું.

અરૂણાચલ પર્વતની તળેટીમાં દક્ષિણ દિશામાં આવેલા પાલિતીર્થની પાસે ભક્તો એ મૃત શરીરને લઈ આવ્યા. સમાધિને માટે એ જ સ્થાન નક્કી કરવામાં આવેલું. ત્યાં ખાડો ખોદવામાં આવ્યો ને શરીરને એમાં રખાયું. પછી એ ખાડાને ભસ્મ, કપૂર, મીઠું તથા બીજાં સુગંધી દ્રવ્યોથી ભરવામાં આવ્યો. એને પૂરી દઈને ઉપર ઈંટોની મદદથી સમાધિની રચના થઈ. એની ઉપર માતૃભૂતેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અલઘમ્મા જાણે કે શિવસ્વરૂપ પરમાત્મામાં મળી ગયાં. દર્શનાર્થીઓએ જયજયકાર કર્યો.

એ સમગ્ર સમય દરમિયાન મહર્ષિ શાંત દૃષ્ટા બનીને નિર્વિકાર ભાવે એમને અંજલિ આપી રહ્યા.

અલઘમ્માનું જીવન ઉજ્જવળ બન્યું ને મરણ સફળ અથવા સાર્થક થયું. જે અરૂણાચલના આકર્ષણથી પ્રેરાઈને એ મહર્ષિ પાસે રહેવા માટે આવી પહોંચ્યાં એ જ અરૂણાચલની અલૌકિક ભૂમિમાં સાધના દ્વારા પવિત્રતા પામી તથા શાંતિ મેળવીને એમણે અંતિમ શ્વાસ લીધો. એમનું પંચમહાભૂતાત્મક પાર્થિવ શરીર એની શાંત ઋષિમુનિસેવિત તપઃપૂત ગોદમાં જ સમાઈ ગયું. લોકકલ્યાણના મંગલમય યુગાનુરૂપ આધ્યાત્મિક મહાયજ્ઞમાં આહુતિ અર્પવા માટે અરૂણાચલની દિવ્ય ભૂમિમાંથી પ્રાદુર્ભાવ પામેલી જ્યોતિ પોતાનું ઈપ્સિત ઈશ્વરદત્ત કાર્ય કરીને ફરી પાછી અરૂણાચલમાં જ મળી ગઈ. એ જ્યોતિ કોઈ સામાન્ય જ્યોતિ ન હતી. નહિ તો એમાંથી મહર્ષિની મહામહિમામયી જ્યોતિ ના જાગત. એણે સંસારનાં તિમિર સહ્યાં ને તિમિરને ઉજાળ્યાં. કષ્ટો સહીને કષ્ટોમાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો. અશ્રુ સારીને અન્ય અનેકને આનંદ આપ્યો : સ્વયં સંવેદનશીલ બનીને બીજાની સંવેદનાને મટાડવાનો માર્ગ ચીંધ્યો ને બીજાના જડતાયુક્ત જીવનમાં પ્રાણસંચાર કર્યો : સંતાપને સહીને બીજાના સંતાપશમનની સાધના બતાવી. એણે ધરેલો પ્રકાશ પ્રાણવાન બનશે અને અમર રહેશે, માનવના પીડિત પ્રકાશરહિત પ્રાણને પ્રેરણા પાશે.

અલઘમ્મા અમર છે ને અમર રહેશે. એમની સદગતિમાં, મરણોત્તર ઊર્ધ્વ પદપ્રાપ્તિમાં, કોઈને પણ સંદેહ છે ખરો ? ના જ હોવો જોઈએ. મહર્ષિની છત્રછાયામાં એ જીવતાં જ ધન્ય બની ગયાં ને સદ્દગતિ અથવા ઊર્ધ્વપદની પ્રાપ્તિ કરી ચૂકેલા. સદ્દગતિને માટે એમને મરણની રાહ જોવાની નહોતી રહી. હા, કહેવું હોય તો એટલું જરૂર કહી શકાય કે એમને મેળવીને મૃત્યુ મંગલ ને ધન્ય બની ગયું, સાર્થક થયું, પોતાનું શ્રેય કરી છૂટ્યું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.