if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આશ્રમમાં સામાન્ય રીતે દરરોજનો જે કાર્યક્રમ રહેતો તેનું વિહંગાવલોકન પણ કરી લઈએ.

મહર્ષિ જીવનના આધ્યાત્મિક વિકાસની ઉચ્ચોચ્ચ કક્ષા પર પહોંચેલા હોવાથી જુદી જુદી અવસ્થાઓનાં સર્વસામાન્ય બંધનોથી મુક્ત હતા. એમને માટે  નિદ્રા તથા જાગૃતિના ભેદ નહોતા રહ્યા. પેલા પ્રસિદ્ધ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે એમને માટે નિદ્રા એક પ્રકારની અલૌકિક સમાધિસ્થિતિ હતી એ તો ખરું જ, પરંતુ એથીયે આગળ વધીને એના અનુસંધાનમાં કહીએ તો જાગૃતિ પણ સહજ સમાધિથી સુવાસિત હતી. એમની દેશકાલાતીત આત્મનિષ્ઠા સઘળા સંજોગોમાં એકસરખી ચાલુ રહેતી. એ સ્વાભાવિક રીતે જ નિત્ય જાગ્રત રહેતા. તો પણ વ્યવહારિક રીતે અથવા ઉપલક ભાષામાં કહી શકાય કે એ વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તના મંગલમય સમયે ત્રણથી ચારની વચ્ચેના ગાળામાં ઊઠી જતા. કોઈ કોઈ વાર ભક્તો એમને રાતના એક બે વાગે પણ જાગેલા જોતા. એમની સાથે બ્રાહ્મમુહૂર્તના શાંતસુંદર સાનૂકુળ સમય દરમિયાન આશ્રમવાસીઓ પણ જાગી જતા, ને શૌચાદિથી નિવૃત થઈ નિત્ય કર્મોનો આરંભ કરતા.

મહર્ષિ શાકભાજી તૈયાર કરવામાં મદદ કરતા ને કોઈ વાર સવારનો નાસ્તો બનાવવામાં પણ મદદરૂપ થતા. એવાં કામોને મહત્વનાં માનતા અને એમાં ભાગ લેવામાં ગૌરવ ગણતા. એમનું આદર્શ જીવનવ્યવહારયુક્ત ઉદાહરણ બીજા આશ્રમવાસીઓને માટે પદાર્થપાઠરૂપ અને પ્રેરક બનતું. એ એમને ઉત્સાહિત કરતું.

એ એમના સોફા પર બેસતા ત્યારે ભક્તો એમની આગળ બેસીને એમણે રચેલાં અરૂણાચલનાં કાવ્યોનો પાઠ કરતા, મુરુગનાર નાના ભક્તકવિએ એમની પ્રેમપૂર્ણ પ્રશસ્તિમાં તૈયાર કરેલી પંદરસો કડીઓની તામિલ કવિતા શ્રીરમણસંનિધિમુરૈ ગાઈ સંભળાવતા, એને એ રીતે વાયુમંડળને મધુમય બનાવતા.

સવારે પાંચથી છના ગાળામાં દર્શનાર્થીઓ એમનાં દેવદુર્લભ દર્શનનો લાભ લેવાના આશયથી આવી પહોંચતા અને એમને પ્રણામ કરીને એમના દર્શનથી કૃતાર્થ થતા.

એ પછી સવારના નાસ્તાનો સમય શરૂ થતાં મહર્ષિ સ્નાનાદિથી નિવૃત થઈને એની તૈયારી કરતા. નાસ્તામાં કૉફીની સાથે ઈડલી અથવા ઉપમા આપવામાં આવતી.

નાસ્તા પછી આશ્રમવાસીઓ પોતપોતાનાં કાર્યોમાં લાગી જતા. કોઈ પૂજાને માટે પુષ્પોનું ચયન કરીને માળા તૈયાર કરતાં, કોઈ અભિષેકને માટે પાણી લાવતા, કોઈ પૂજાની બીજી સામગ્રી એકઠી કરતા, તો કોઈ માતૃભૂતેશ્વરની અને ગણેશ, સ્કંદ જેવા દેવોની તથા પોતાના ઈષ્ટદેવની આરાધનામાં લીન બનતા. એ સિવાયનાં બીજાં જરૂરી કાર્યો પણ થયા કરતાં.

દર્શનાર્થીઓ ના હોય ત્યારે મહર્ષિ સ્વાશ્રયને અત્યંત મહત્વ આપતા હોવાથી લાકડીઓને પૉલિશ કરવાના, કમડંલને રિપેર કરવાના, ભોજન માટે પતરાળીઓ બનાવવાના, પુસ્તકોની કૉપી ઉતારવાના, પુસ્તકો બાંધવાના, અને એવાં બીજાં જરૂરી કામોમાં લાગી જતા. આશ્રમની સર્વસામાન્ય રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ મદદ કરાવતા. એ કોઈ પણ કામને હલકું ના માનતા. એમનો ઉત્સાહ અન્યને માટે અનુકરણીય થઈ પડતો.

એ હોલમાં એમના કોચ પર બેસતા ત્યારે વાતાવરણ ખૂબ જ શાંત, ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયક બની જતું. દર્શનાર્થીઓ એમનું દર્શન કરીને વિદાય થતા ને મુલાકાતીઓ અને જિજ્ઞાસુઓ એમની સામે એ પરમપવિત્ર વાયુમંડળનો લાભ લેતાં બેસી રહેતા, એમની પાસે પહોંચવાની સૌ કોઈને છૂટ હતી. એમનાં દર્શન માટે જે ઈચ્છતા તે બધા જ જઈ શકતા. કોઈની ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ ન હતો. એને માટે કોઈને કોઈની મંજૂરી પણ નહોતી માગવી પડતી. એમનાં દ્વાર આઠે પહોર અને સૌ કોઈને માટે ઉઘાડાં રહેતાં. કોઈનું વિશેષ સન્માન કે કોઈનું ઓછું સન્માન ન હતું. કોઈની પ્રત્યે કોઈયે કારણે કોઈ પ્રકારનો પક્ષપાત બતાવવામાં નહોતો આવતો.

જિજ્ઞાસુઓ એમને પોતાની રૂચિ પ્રમાણે પ્રશ્નો પૂછી શકતા. જે પ્રશ્નો સાચી જિજ્ઞાસાપૂર્વક પુછાયા હોય એમના ઉત્તરો એ અવશ્ય આપતા. એ ઉત્તરો સંક્ષેપમાં અપાતા હોવા છતાં મુદ્દાસરના ને સહેતુક હોવાથી સૌને સંતોષતા. જે પ્રશ્નો પૂછવા ખાતર, પરીક્ષાવૃત્તિથી, અથવા વિતંડાવાદથી પ્રેરાઈને પુછાતા એમના ઉત્તરો આપવાને બદલે એ મૌન રાખતા. ખોટી ચર્ચાઓ એમને પસંદ ના પડતી. કેટલીકવાર પંડિતો કે વિદ્વાન એમની કસોટી કરવા અને એમને પોતાની બૌદ્ધિક પ્રતિભાથી આંજી દેવા આવતા. એમનામાંના કોઈ શાસ્ત્રજ્ઞાનનું નિરર્થક પ્રદર્શન કરતા ત્યારે એ સ્વયં શાસ્ત્રજ્ઞ હોવા છતાં શાંત રહેતા. વિદ્વાનો છેવટે વિદાય થતા.

આત્મશાંતિ અનુભવવા તથા જીવનવિકાસની પ્રેરણા પામવા ને મદદ મેળવવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને આવનારા આત્માઓને જોઈને એમને સ્વાભાવિક રીતે જ આનંદ થતો. એવા આત્માઓ એમના સાંનિધ્યમાં બેસીને શાંતિ, પ્રકાશ તેમ જ માર્ગદર્શન મેળવતા. કોઈવાર દૃષ્ટિપાતથી, દર્શનથી, થોડાક શબ્દોના સમજપૂર્વકના સ્મરણથી તો કોઈવાર એમના સ્વર્ગીય સાંનિધ્યમાં રહીને ઓછીવત્તી સાધના કરવાથી એમના અંતરનાં દ્વાર ઊઘડી જતાં અને એ સંશયરહિત તથા કૃતાર્થ બનતા. બહારથી શાંત અથવા નિષ્ક્રિય દેખાતા એ પરમપ્રતાપી મહામાનવ નિષ્ક્રિય ન હતા. એમની અલૌકિક આત્મશક્તિ બીજાના જીવનમાં ક્રાંતિ કરતી સદાયે કામ કરતી રહેતી. એમના કરૂણાર્દ્ર અનુકંપાપૂર્ણ અંતરમાંથી અહર્નિશ અનવરત રીતે વહેનારી પ્રખર વિદ્યુતશક્તિ સૌ કોઈને પોતપોતાની શક્તિ અથવા ભક્તિ અનુસાર અસર પહોંચાડતી. એવી રીતે એમની મૌનાવસ્થા ને શાંત સંનિધિ પણ અમૂલખ આશીર્વાદરૂપ થઈ પડતી. જે કામ ગ્રંથો, તીર્થો ને તપવ્રતોથી ના થતું તે એનાથી સહેલાઈથી સિદ્ધ બનતું. વરસોની એકધારી સાધનાને લીધે મહર્ષિ આત્માની અસાધારણ શક્તિના મૂલાધાર જેવા બની ગયેલા. એમની અંદર આવિર્ભાવ પામેલી અલૌકિક શક્તિનો આજુબાજુ બધે જ સંચાર થતો. એમને દર્શનાર્થીઓની વચ્ચે કોચ પર શાંતિપૂર્વક વિરાજેલા જોઈને પેલા સુપ્રસિદ્ધ શ્લોકનું સ્મરણ થતું :

चित्रं वटतरोर्मूले वृद्धाश्शिष्या गुरुर्युवा ।
गुरोस्तु मौन व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः।।                         

 ‘વટવૃક્ષની નીચેનું આ વિચિત્ર દૃશ્ય તો જુઓ ! શિષ્યો વયોવૃદ્ધ છે ને ગુરૂ યુવાન છે. ગુરૂ અભૂતપૂર્વ મૌન દ્વારા ઉપદેશ આપી રહ્યા છે ને એ ઉપદેશવચનોથી બાજુમાં બેઠેલા શિષ્યોના સમસ્ત સંશયો છેદાઈ રહ્યા છે.’

કોઈક કવિની કલ્પનાના પરિપાક જેવો લાગતો એ શ્લોકાર્થ મહર્ષિના શાંત આશ્રમમાં મૂર્તિમંત બનેલો દેખાતો. મહર્ષિ શાંતિના સાકાર સ્વરૂપસમા કોઈ પણ પ્રકારના પ્રવચનનો આધાર લીધા વિના કલાકો લગી બેસી રહેતા તો પણ એમની સંનિધિમાત્રથી ભક્તો તથા દર્શનાર્થીઓને આનંદ મળતો, નવજીવનની પ્રાપ્તિ થતી, અવનવી પ્રેરણા મળતી અને જિજ્ઞાસુઓની જાતજાતની જિજ્ઞાસાઓ અને શંકાઓનું આપોઆપ સમાધાન થતું.

* * *          * * *          * * *          * * *

સવારના કાર્યક્રમના અનુસંધાનમાં અગિયારથી બાર વાગ્યા સુધીના ગાળામાં સૌ ભોજન કરતા. મહર્ષિ પણ ભોજનશાળામાં સૌની સાથે બેસીને ભોજન કરતા. એમના ભોજનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના રહેતો. જે સૌને આપવામાં આવતા તે પદાર્થો એમને પણ પીરસવામાં આવતા. પોતાના તરફ કોઈ પ્રકારનો પક્ષપાત બતાવવામાં ના આવે એનું એ ધ્યાન રાખતા. કોઈવાર પ્રસંગોપાત્ત કહેતા પણ ખરા કે આશ્રમમાં મારું વિશેષ સ્થાન થોડું જ છે ? જેટલો અધિકાર બીજાનો છે તેટલો જ મારો છે.

ભોજન પછી થોડોક વિશ્રામ રહેતો. એ પછી બપોરે ત્રણેક વાગે કૉફી આપવામાં આવતી. સવારે ને બપોર બાદ કેટલાક ભક્તો ફળ તથા મીઠાઈ લઈને આવતા ને મહર્ષિને અર્પણ કરતા. મહર્ષિ એમાંથી ઈચ્છાનુસાર કાંઈક ગ્રહણ કરતા ને પછી એ બધું પ્રસાદના રૂપમાં વહેંચી દેવામાં આવતું. એ પ્રસાદને આરોગવાથી સૌના મન પ્રસન્ન થતાં. મહર્ષિની નિઃસ્વાર્થ સેવા ને સ્નેહવૃત્તિનો એ એક ઉત્તમોત્તમ નમૂનો હતો.

બપોર પછી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવતા રહેતા એમની વ્યક્તિગત આવશ્યક્તાને લક્ષમાં લઈને મહર્ષિ એમને એમની રીતે મદદ કરતા. એમની સામે બેસીને ધ્યાન કરનારા સાધકો પણ મોટી સંખ્યામાં મળી આવતા. એમને એમની અદભૂત શક્તિનો અનુભવ થતો અને એને લીધે સાધનામાં મહામૂલ્યવાન મદદ મળતી. એ વખતે કેટલાક મુલાકાતીઓ તરફથી પ્રશ્નો પણ પૂછવામાં આવતા.

સંધ્યાના શાંત સમયે ધ્યાન થતું. એ વખતે વિશુદ્ધ વાયુમંડળના પ્રભાવથી મન સહેલાઈથી એકાગ્ર થઈ જતું. એ પછી આશ્રમની વેદ પાઠશાળાના વિદ્યાર્થીઓ શહેરમાંથી આવેલા ભક્તોની સાથે વેદમંત્રોનાં ઉચ્ચારણો કરતા. એમના શ્રવણમધુર દૈવી ધ્વનિ બધે ફરી વળતા ત્યારે વૈદિક કાળના ઋષિવરોના આશ્રમોની સ્મૃતિ તાજી થતી. તિરુવણ્ણામલૈના કેટલાય ભક્તજનો એ વખતે મહર્ષિનાં દર્શન માટે આવતા. વેદપાઠ પછી મહર્ષિએ રચેલાં સ્તોત્રો બોલાતાં. સાંજના લગભગ સાડા સાતેક વાગ્યા સુધી એવો ક્રમ ચાલ્યા કરતો અને પછી ભોજન કરવામાં આવતું. પછી થોડુંક ધ્યાન કરાતું. કેટલીકવાર ઋભુગીતા અને કૈવલ્ય નવનીત જેવા સુંદર પ્રેરણાદાયક ગ્રંથો વંચાતા. કોઈવાર કોઈક કઠિન વિષયના સ્પષ્ટીકરણ માટે મહર્ષિ કાંઈક કહેતા પણ ખરા. એવા સમજપૂર્વકના વાચન અથવા અધ્યયનથી ધ્યાનની અંતરંગ સાધના માટેનો ઉત્સાહ પેદા થતો ને ઘણી મદદ મળતી. એનો ભાવાર્થ લાંબા વખત સુધી અંતરમાં ગુંજતો રહેતો. એથી આત્મદૃષ્ટિ કેળવાતી.

સામાન્ય રીતે રાતે નવ વાગે આશ્રમની બાહ્ય પ્રવૃત્તિ પર પડદો પડી જતો અને સૌ આરામ કરતા.  મહર્ષિ પણ કોચ પર આરામ કરતા દેખાતા.

* * *          * * *          * * *          * * *

આશ્રમની વ્યવસ્થાનું કાર્ય સ્વામી નિરંજનાનંદના હાથમાં હતું. એ એને ભારે કુશળતાપૂર્વક પૂરું કરતા. આશ્રમના વિકાસમાં એમનો ફાળો કાંઈ નાનોસૂનો ન હતો. એમને અંજલિ આપ્યા સિવાય આશ્રમનો કોઈ પણ પ્રકારનો ઈતિહાસ અધૂરો જ રહી જાય.

આશ્રમમાં પ્રવેશ કરતી વખતે મહર્ષિના હોલની બહાર મૂકવામાં આવેલી વિશેષ સૂચનાઓ તરફ કોઈ પણ નવા આગંતુકનું ધ્યાન આકર્ષાયા વિના રહેતું નહિ. એ સૂચનાઓ દ્વારા જણાવવામાં આવેલું કે મહર્ષિના શરીરના કોઈ ભાગને સ્પર્શ કર્યા વિના ભક્તોએ દૂરથી જ પ્રણામ કરી લેવા, મહર્ષિને માટેની ભેટસામગ્રી એમની આગળ મૂકવાને બદલે આશ્રમના મુખ્ય કાર્યાલયમાં જ આપી દેવી, ને સ્ત્રીઓએ રાતે આશ્રમમાં ના રહેવું. એમાંની પહેલી ને છેલ્લી સૂચના ખાસ વિચારવા જેવી ને લાક્ષણિક હતી. એ સૂચનાઓનું પાલન થતું પણ ખરું. મહર્ષિને સૌ થોડેક દૂરથી પગે લાગતા એથી એમને શાંતિ રહેતી. કોઈવાર કોઈ કારણે કોઈના તરફથી એ પરિપાટીનો ભંગ કરવામાં આવતો તો એમને ખોટું ના લાગતું કે દુઃખ પણ ના થતું એટલી એમની વિશેષતા હતી.

સ્ત્રીઓ રાત્રી દરમિયાન આશ્રમમાં ના રહે એ નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ આશ્રમના વાતાવરણને સ્ત્રીપુરૂષના સંસર્ગજન્ય વિકારો કે દોષોની શક્યતાથી મુક્ત રાખવાનો હશે એવું અનુમાન સહેજે કરી શકાય છે.

આશ્રમવાસ દરમિયાન સંયમની મહત્તાને સમજવામાં આવે અને એ અનુસાર જીવવામાં આવે તથા તે પછી પણ જીવનને સંયમી બનાવાય એ ઈચ્છવાયોગ્ય છે. સ્ત્રીઓ આશ્રમની બહારના ઉતારાઓમાં શાંતિપૂર્વક રહી શકતી. મહર્ષિ એમના પ્રત્યે પણ વિશેષ પ્રેમ અને અનુકંપા તો રાખતા જ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.