if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બે બહારથી વિરોધાભાસી દેખાતાં તથ્યોને સ્વીકારવાની આપણને ફરજ પડે છે એ સાચેસાચ આશ્ચર્યકારક અથવા વિચિત્ર છે. તાત્વિક રીતે વિચારીએ તો જણાય છે કે ભારતના મહાન સંત રમણ મહર્ષિના સદુપદેશો તત્વજ્ઞાનના વિચારોના ઉષાકાળ જેટલા જૂના હોવા છતાં પણ આત્મિક સાક્ષાત્કારની અવનવી ક્ષિતિજોને ખુલ્લી કરે છે.

ગ્રીસ દેશનાં પુરાતન દીક્ષામંદિરોના દ્વાર પર અક્ષરોને અંકિત કરતાં કહેવામાં આવેલું : ‘તમારી જાતને જાણી લો.’

પ્લેટોએ એનું પુનરાવર્તન કરતાં કહેલું કે તમારી જાતને જાણી લો એટલે દુનિયાને ને દેવતાઓને આપોઆપ જાણી શકશો. રમણ મહર્ષિએ ઉપદેશેલી આત્મવિચાર પર આધારિત આત્માના અન્વેષણની પ્રક્રિયા પણ એ જ શીખવે છે. આધુનિક જગતને અપાયેલો એ એમનો સારસંદેશ છે. એ સંદેશ હજારો વરસોથી પ્રવાહિત થતો આવ્યો હોય તો પછી એની શક્તિ ક્યાં અથવા શેની અંદર સમાયેલી છે એ વિચારવા જેવું છે. એના સ્પષ્ટીકરણને માટે આપણે એક અન્ય પ્રશ્નના પ્રત્યુત્તરનો વિચાર કરવાનો છે :

આપણને એ ઉપદેશ કોણે આપ્યો ને ક્યારે ?

રમણ મહર્ષિ પોતે સમકાલીન સંતપુરુષ હતા અને એમના આધ્યાત્મિક અનુભવ-ભંડારમાંથી સાંપડેલા સત્યના સાક્ષાત્કારના જીવંત પ્રમાણ જેવા હતા. એમણે ધાર્મિક તત્વજ્ઞાન વિશે જરા પણ જાણતા નહોતા ત્યારે આત્મવિચારણાની શોધ કરેલી. સોળ વરસની નાની ઉંમરે નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરીને કોઈની પણ મદદ વિના એમણે આત્મસાક્ષાત્કાર કરેલો. એ સ્વયં સત્યસ્વરૂપ થયા હોવાથી એમને સત્યના અસ્તિત્વમાં અને સાક્ષાત્કારમાં કોઈ પ્રકારની શંકા નહોતી રહી.

ગ્રાન્ટ ડફ નામના કવિ-લેખકે રમણાશ્રમ તરફથી પ્રકાશિત થયેલા સુવર્ણજયંતિ સ્મૃતિઅંકમાં રમણ મહર્ષિના પ્રથમ દર્શનની એમના પર પડેલી પ્રતિક્રિયાને વર્ણવતાં આશ્ચર્યકારક રીતે લખ્યું છે કે મેં મહર્ષિને પ્રથમ વાર જ નિહાળ્યા પરંતુ જે ક્ષણે એમણે મારા તરફ દૃષ્ટિપાત કર્યો તે ક્ષણે મેં અનુભવ્યું કે એ સત્યસ્વરૂપ તથા પ્રકાશસ્વરૂપ છે.

એવો અસામાન્ય અનુભવ શ્રી ગ્રાન્ટ ડફને જ થયેલો એવું ન હતું. એમના સિવાયના અન્ય અનેકને એવો અપ્રતિકારાત્મક ચોક્કસ અનુભવ થઈ ચૂકેલો. એમાં પરમાત્માના સાક્ષાત્કારનું સાચું રહસ્ય સમાયેલું લાગતું કારણ કે પરમાત્માના સાક્ષાત્કાર પછી માનવ પરમાત્મા સાથે એક બને છે, અને એની સાથે સાથે એક બીજો ચમત્કાર પણ સર્જાય છે કે એ પછી માનવ બીજા બધા જ માનવો સાથે આત્મિક એકતા અનુભવે છે.

એ ઉદાત્ત અવસ્થાવિશેષને વર્ણવવાનું કામ કઠિન છે. મેં મહર્ષિ સાથે ફકત ત્રણ વાર વાત કરી અને પ્રત્યેક પ્રસંગે થોડીક મિનિટો સુધી જ વાત કરી. વધારે વાર્તાલાપની આવશ્યકતા જ ના લાગી. વાણી અનુચિત, અપર્યાપ્ત અને અસંગત લાગતી. એમની સાથેના મારા છેલ્લા વાર્તાલાપ વખતે મેં મારી અંતઃપ્રેરણાથી પ્રેરાઈને મૌન રાખેલું.

મહાત્મા ગાંધીએ પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનેલા રાજેન્દ્રપ્રસાદને, એ રાષ્ટ્રપતિપદે પ્રતિષ્ઠિત નહોતા કરાયા ત્યારે, રમણ મહર્ષિ પાસે સંદેશ લેવા માટે મોકલ્યા ત્યારે એમને મહર્ષિએ જણાવેલું : ‘આત્મા આત્મા સાથે વાત કરે છે ત્યારે શબ્દોની આવશ્યકતા કયાં છે ?’ અને રાજેન્દ્રબાબુએ એ ઉદગારોથી સંતોષ પામીને એમની વિદાય લીધી.

મહર્ષિના સદુપદેશનો મુખ્ય આધાર ‘હું કોણ છું’ એવા આત્મવિચારપૂર્વકના આત્માના સંશોધનમાં રહેલો. એ અમને કહેતા કે આપણા સ્વરૂપનું સંશોધન કરતી વખતે આપણે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે આપણી સ્થૂળ ઈન્દ્રિયો અને મન અનિત્ય અને અન્યાશ્રયી હોવાથી સત્ય તરીકે ના સ્વીકારી શકાય. એ બધાની અસર જેના પર અલ્પાંશે પણ ના પડે એને જ આત્મા કહેવાય.

આત્મવિચારનો અવારનવાર અને દૃઢતાપૂર્વક આધાર લેવાથી આખરે આપણે મૌનમાં મળી જઈએ છીએ. આ જગત પરના દીર્ઘ જીવનકાળ દરમિયાન પોતાના અસંખ્ય શિષ્યો અને મુલાકાતીઓએ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપે એમણે એમના ઉપદેશોનાં જુદાં જુદાં ભાષ્યોને રજૂ કરેલાં. એ ભાષ્યો આશ્રમ દ્વારા પ્રસિદ્ધિ પામેલાં કેટલાંક પુસ્તકોમાં જોઈ શકાતાં. એમાંના એક મહાયોગ નામના અનોખા પુસ્તકમાં એમના એક શિષ્યે એ ઉપદેશોનું સંકલન ખૂબ જ સરળ રીતે કરેલું. જે જિજ્ઞાસુ સાધકો મહર્ષિના સદુપદેશના સારભાગને સુચારુરૂપે સમજવા માગતા હોય એમણે એ પુસ્તકને અનિવાર્ય રીતે વાંચવા જેવું છે. મારો વિચાર એ પુસ્તકમાંથી કોઈ અવતરણ આપવાનો નથી. એનું અધ્યયન કરનાર મહર્ષિના સંદેશને અને મહર્ષિની મહાનતાને સારી પેઠે સમજી શકે છે.

લેખક જે પ્રકારના મનોભાવ અને અંતઃપ્રેરણાથી પ્રેરાઈને લખતો હોય છે તે પ્રકારના મનોભાવ અને અંતઃપ્રેરણા પર એની આધ્યાત્મિક વિષયોની પ્રતીતિ કરાવવાની શક્તિનો અને અસરકારકતાનો આધાર રહેતો હોય છે. આપણે આપણી માનસિક ધારણાઓ, આપણા મનોભાવો, આદર્શો અને સિદ્ધાંતોને રજૂ કરી શકીએ પરંતુ એ તો આપણા સ્થૂળ મનનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં સુધી અંતરંગ આત્મિક અનુભૂતિથી અલંકૃત ના બને ત્યાં સુધી એ મનોભાવો, આદર્શો અને સિદ્ધાંતો શુષ્ક અને જડ લાગે છે.

શ્રી એચ. પી. બ્લેવેટસ્કીએ ‘ધી વાઈસ ઓફ ધી સાઈલેન્સ’ નામની પુસ્તિકામાં પ્રારંભમાં લખ્યું છે કે મન એક દર્પણ જેવું છે. એ પ્રતિબિંબ પાડે છે તેમ ગંદુ પણ બને છે.

એટલા માટે આત્મિક ક્ષેત્રના સંશોધનમાં મનને જે ભાગ ભજવવાનો છે તે તો ગૌણ છે. બહારના સ્થૂળ મનની મદદથી લખાય છે ત્યારે આપણે સાનુકૂળ શબ્દોને એકઠા કરવાનો અને કાગળ પર આલેખવાના વિચારોને પસંદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ બધું મનનું કાર્ય હોય છે. એ અવસ્થામાં આપણે સદાને માટે અનિત્યતામાં જ શ્વાસ લઇએ છીએ અને છેવટના સનાતન સત્યની અને આપણી વચ્ચે અનિશ્ચિતતાનો અજ્ઞાનયુક્ત પડદો રહે છે.

મહર્ષિએ અમને એક બીજી પૃથક્ પ્રક્રિયાનો ઉપયોગ કરતાં શીખવાડ્યું. એ પ્રક્રિયા મનની અપૂર્ણતાનો જેમાં અંશ પણ નથી હોતો તે ચેતનાની ઉચ્ચતર ભૂમિકા સાથે સંબંધ બાંધવાની પ્રક્રિયા છે. એ ભૂમિકા આત્માના વાસ્તવિક સત્યસ્વરૂપની અથવા પરમાત્માના પ્રદેશની ભૂમિકા હોય છે. એ ભૂમિકા પરથી લખાય છે ત્યારે આપણે આપણા વિચારો, ભાવો કે શબ્દોને પસંદ કરવા પડતા નથી. એ જાણે પ્રથમથી જ પસંદ કરવામાં આવ્યા હોય તેમ અંતઃપ્રેરણા દ્વારા આપોઆપ આવિર્ભાવ પામે છે. કોઈ વિદ્ધાન અથવા પંડિત આ શબ્દોને વાંચીને હસશે ને કહેશે કે પ્રિય મૌની, તમે જે સમજો છો તે કહેવાને બદલે એને કેવળ બૌદ્ધિક સભાનતા શા માટે કહો છો ? પરંતુ જે ભારતીય શાસ્ત્રોના પ્રમાણભૂત ભાષાપ્રયોગોથી પરિચિત નહિ હોય એવા વાચકને એ ચર્ચાવિચારણામાં રસ નહિ પડે.

અરૂણાચલના મહાન સંત રમણ મહર્ષિએ અમને એક અન્ય આદેશ પણ આપેલો કે સામાન્ય ભૂમિકામાંથી ઉપર ઊઠીને દિવ્ય ચેતનાની એ અલૌકિક અવસ્થામાં પ્રવેશવા માટે વર્તમાન જીવન દરમિયાન જ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નના પરિણામે આપણે એવી આત્મચેતનાની અનુભૂતિ કરીશું જે કાયમ માટે અખંડ રહેશે અને શરીરનો નાશ થશે તો પણ નાશ નહિ પામે. એ અનુભૂતિ આપણને સર્વ પ્રકારની ભીતિ અને અચોક્કસતામાંથી મુક્તિ આપશે. એ મહામૂલ્યવાન મોતી થશે, પૂરો પરિશ્રમ કરીને શોધી કાઢવા લાયક ખજાનો બનશે, અને આપણી પાસેથી કોઈ પણ ના લઈ શકે – આપણને જેનાથી કોઈ પણ વંચિત ના કરી શકે એવું આપણા વ્યક્તિત્વનું અવિભાજ્ય અંતરંગ અંગ થઈ રહેશે.

મહર્ષિ કદી પણ સિદ્ધાંતોમાં કેદ નહોતા બન્યા. એમની એક પ્રખ્યાત ઉક્તિ છે કે ‘પુનરાવતાર નથી. ઈશ્વર નથી. તમારે કેવળ તમારા સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે.’ આત્માના સર્વતંત્ર સ્વતંત્ર સ્વરૂપનો સાક્ષાત્કાર કરનારને એ સર્વોચ્ચ સત્યનો અનુભવ થાય છે. એમણે એ ભૂમિકાની પ્રાપ્તિ કરી હોવાથી કોઈ પણ એની પ્રાપ્તિ કરી શકે તેમ હતું. મને લાગે છે કે આપણે માટે આ પૃથ્વી પર આવનારા મહાપુરુષોનો મુખ્ય ઉદ્દેશ આપણને કોઈ નૂતન ઉપદેશ આપવાનો નથી હોતો પરંતુ પોતે કરેલી સાધનાત્મક પ્રાપ્તિને દર્શાવવાનો, શાસ્ત્રોના સદુપદેશને સાર્થક કરવાનો, અને એમની અંદર નવજીવનનો સંચાર કરવાનો હોય છે.

મહર્ષિએ જેનું અવારનવાર સમર્થન કરેલું એ મહાયોગનું પ્રમુખ પ્રયોજન એ જ હતું.

દુનિયાના જુદાજુદા ધર્મોની રચના સામાન્ય માનવને માટે કરવામાં આવી છે. એ ધર્મો પવિત્ર જીવનવ્યવહારના નિયમો પૂરા પાડે છે અને મૃત્યુ પછીના પુરસ્કારરૂપે સ્વર્ગપ્રાપ્તિની બાંયધરી આપે છે. એ એમના ક્ષેત્ર પૂરતા સારા છે. કારણ અને કાર્યના નિયમો સાચા છે. એ નિયમો નૈસર્ગિક છે. આપણા જીવનના જુદાજુદા તબક્કાઓ દરમિયાન થતાં શુભ કર્મોનું અનુષ્ઠાન કરવાથી આગામી વિકાસ માટેના સાનુકૂળ શુભ સંજોગોનું સર્જન થાય છે. એક વાર આપણને આપણા જીવનના ઉજ્જવળ ધ્યેયનો ખ્યાલ આવી જાય છે એટલે બીજાં સામાન્ય લક્ષ્યાંકોનું આકર્ષણ ઓછું થાય છે, અને આપણાથી બનતાં સુધી કોઈ કુકર્મ નથી થતું, કારણ કે અશુભ ક્ષણિક ઈન્દ્રિયજન્ય અહંકારમાં જ રહેતું હોય છે. એ અહંકારને મહર્ષિએ આત્મા અને શરીરની વચ્ચેના ઉદભાવનારા એક વિજાતીય તત્વ તરીકે ઓળખાવ્યો છે.

એક બીજા ઉપદેશ પર એમણે ખૂબ જ ભાર મૂકેલો. એ ઉપદેશ એવો હતો કે આત્માની ઉત્ક્રાંતિ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. એમની એ માન્યતા વધારે વાસ્તવિક અને વ્યવહારુ લાગે છે. એ કહેતા કે આત્મા આપણી અંદર સદા હાજર છે. એની ઉપર પ્રકૃતિનું આવરણ છે એટલું જ. એ વાતાવરણને દૂર કરવાથી, માયાની અથવા અવિદ્યાની નિવૃત્તિ થવાથી આપણી અંદરનો આત્મા પ્રકાશી ઊઠે છે. એ આત્માને કે સ્વરૂપને ક્યાંય બહાર શોધવાની આવશ્યકતા નથી રહેતી.

મેં અત્યાર સુધી જે કાંઈ કહ્યું છે એના પરથી એટલું તો જરૂર કહી શકાય કે મહર્ષિના મંતવ્યને સૌ કોઈ નહિ સ્વીકારી શકે. માનવજાતિનો અમુક વર્ગ પ્રકૃતિ તથા ઈન્દ્રિયોના જગતમાં જ જીવવાનું વધારે પસંદ કરશે. આપણે કોઈ શિશુને નિમીષમાત્રમાં જ મોટા માણસમાં પલટાવી ના શકીએ અને અચ્છેર પાણીનો પાશેર પાણીના માપવાળા પાત્રમાં સમાવેશ ના કરી શકીએ. શિશુનો વિકાસ ક્રમે ક્રમે જ થઈ શકે. જે આત્માઓ સંતોષકારક રીતે આગળ વધ્યા હોય એમણે કોઈક સંદેશવાહક અથવા સદગુરુની મદદ  મેળવવી આવશ્યક છે. પોતાના ભૌતિક સ્થૂળ જીવન દરમિયાન એ એમને પોતાની આસપાસ એકઠા કરે છે અને સાક્ષાત્કારની દિશામાં છેવટનાં પગલાં ભરવામાં મદદરૂપ બને છે.

પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિ પહેલાં મારા ગુરુદેવના એક બીજા નિવેદનને રજૂ કરીશ.

‘તમારો પોતાનો આત્મસાક્ષાત્કાર એ જ તમારી દ્વારા કરાતી સંસારની સર્વોત્તમ સેવા છે.’

એટલા માટે જો તમે સંસારના સઘળા ક્ષુધાર્તોને ને ગરીબોને ખવડાવી ના શકો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એમનાં કર્મો અથવા એમનું પ્રારબ્ધ એમની સાથે છે. જે જે વ્યક્તિના અને વસ્તુના સંસર્ગમાં આવો એને માટે આશીર્વાદરૂપ અથવા વરદાન બરાબર બનો એ બરાબર છે, પરંતુ કોઈ વિશેષ પ્રવૃત્તિની પાછળ પડીને તમારા વાસ્તવિક વિકાસમાર્ગને મૂકી ના દો, કારણ કે એથી તમે અનિત્યતાની સૃષ્ટિમાં સરકી પડશો અને તમારા જીવનધ્યેયને ભૂલી જશો.

તમે જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર નથી કરતાં ત્યાં સુધી તમારી પ્રવૃત્તિ સાચેસાચ સંગીન છે કે નહિ એ ચોક્કસપણે નથી કહી શકાતું. છતાં પણ એક પદ્ધતિની મદદથી કર્મોમાં કરાતી ભૂલોને નિવારી શકાય. મહર્ષિના કથન પ્રમાણે એ પદ્ધતિ અહંકારરહિત થઈને કર્મ કરવાની છે. એ પદ્ધતિ પ્રમાણે કર્મ કરનાર એવું માને છે કે હું કર્મ નથી કરતો. એ અવસ્થાને મહાયોગ ગ્રંથના લેખકે મનની અહંકારરહિત અવસ્થા તરીકે ઓળખાવી છે.

‘તમારામાં ને પરમાત્મામાં શ્રદ્ધા રાખો. એથી સધળું સારું થશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુની આશા રાખો, આકાંક્ષા સેવો, ઉત્તમમાં ઉત્તમ પદાર્થ માટે મહેનત કરો, અને આખરે તમારે માટે સઘળું સારું થઈ રહેશે.’

- મહર્ષિના સદુપદેશમાંથી

હે પ્રભુ, મને સર્વ પ્રત્યે સમતા પ્રદાન કરો, વિશ્વપ્રેમ આપો, અને આત્મોન્નતિના કલ્યાણકાર્યમાં મદદરૂપ થનારા આધ્યાત્મિક સદગુરુનો સમાગમ બક્ષો.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.