if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉપનિષદોને જીવનોપયોગી સુંદર સુવાસિત વિચારપુષ્પોના એક અનેરા ઉદ્યાન સાથે સરખાવી શકાય.

એ ઉદ્યાનનાં પરિમલ ભરેલાં પુષ્પોએ અતીત કાળથી માંડીને આજ સુધી અનેકનાં પ્રાણને પ્રસન્ન ને પુલકિત કર્યા છે, અનેકના સંતપ્ત અંતરને એમણે શાંતિ આપી છે, પ્રેરણા પહોંચાડી છે, ને સંજીવની ધરી છે.

એની સૌરભથી સામાન્ય ચિંતકો કે વિચારકો જ નહિ, ભલભલા દાર્શનિકો પણ મુગ્ધ બન્યા છે. એમણે એની શ્રેયસ્કરતાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.

ભારતીય સંસ્કૃતિની એ એક મહામૂલ્યવાન મૂડી છે.

એનો ચિંતન વિભાગ જેમ અસાધારણ આકર્ષક અને આર્શીવાદરૂપ છે તેમ એ ચિંતનને સરળ ને સ્પષ્ટ કરતો એની પૂર્તિરૂપ રજૂ થયેલો કથા વિભાગ પણ એટલો જ અગત્યનો છે. ધર્મ, તત્વજ્ઞાન અને સાધનાના ગહનતમ સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં એનો ફાળો ઘણો મોટો છે. માનવમન કેવળ શુષ્ક સિદ્ધાંતો કરતાં એ સિદ્ધાંતોને સ્પષ્ટ કરતી કથાઓ તરફ વધારે આકર્ષાય છે. માનવ સ્વભાવની એ ખાસિયતને લક્ષમાં લઈને એને સંતોષવા તેમજ ધર્મ ને તત્વજ્ઞાનને લોકપ્રિય બનાવવા પુરાણ સાહિત્યની પેઠે ઉપનિષદ સાહિત્યમાં પણ અનેક જાતની ઉચ્ચ આદેશથી અલંકૃત થયેલી જીવનોપયોગી કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસો વીતી ગયાં છે તો પણ એ કથાઓ જૂની નથી થઈ, અથવા એમણે એમની અસરકારકતા અને લોકપ્રિયતા નથી ખોઈ.

અહીં જેની રજૂઆત થઈ રહી છે તે કથા પણ એવી જ છે.

બ્રહ્માની સૃષ્ટિના ત્રણ મુખ્ય પ્રતિનિધિ દેવ, દાનવ ને માનવ.

એમના પ્રમુખ નેતાઓ એકવાર બ્રહ્માની પાસે ઉપદેશની પ્રાપ્તિ કરવા ગયા.

એક વરસ પૂરું થયા પછી એમણે પોતાને ઘેર જવાની તૈયારી કરી.

સૌથી પહેલા દેવોના પ્રતિનિધિએ બ્રહ્માની પાસે આવીને એમની અનુજ્ઞા માગી અને ઉપદેશ માટે પ્રાર્થના કરી એટલે બ્રહ્માએ એમને ઉપદેશ આપતાં કહ્યું, 'દ'.

દેવોને થયું કે આપણને 'દ'નો ઉપદેશ આપવામાં આવ્યો એથી શું સમજવું  ? બ્રહ્માનો ઉપદેશ કાંઈ મિથ્યા તો હોઈ જ ના શકે. એની પાછળ કાંઈ ને કાંઈ રહસ્ય તો હોવું જ જોઈએ.

જરાક શાંતિપૂર્વક વિચાર કરતાં એ રહસ્ય એમને સમજાઈ ગયું. એમને થયું કે આપણે સ્વર્ગમાં ખૂબ જ ભોગવિલાસ કે મોજશોખવાળું જીવન પસાર કરીએ છીએ. સ્વર્ગમાં ભોગ અને ઐશ્વર્યની પ્રચૂરતા છે. આપણાં જીવન પણ અસંયમી કે સ્વચ્છંદી છે. એટલે 'દ'નો ઉપદેશ આપીને બ્રહ્માએ આપણને દમનું પાલન કરવાનું અથવા ઈન્દ્રિયસંયમ સાધવાનું કહ્યું છે તે યથાર્થ જ છે. 'દ' એટલે દમ.

દાનવોના પ્રતિનિધિએ બ્રહ્માની વિદાય માગી ત્યારે બ્રહ્માએ એ જ ઉપદેશ આપતાં કહ્યું, 'દ'.

દાનવો એ ઉપદેશ સાંભળીને શરૂઆતમાં તો વિસ્મયમાં પડ્યા. પરંતુ પાછળથી એનો મર્મ સમજાતાં અંદર અંદર કહેવા લાગ્યા કે આપણને જે ઉપદેશ મળ્યો છે તે બરાબર છે. આપણે ખૂબ જ બળવાન છીએ એટલે આપણે માથે મોટી જવાબદારી રહેલી છે... બળનો ઉપયોગ આપણે નિર્બળોને પજવવા માટે ના કરવો જોઈએ, પરંતુ એથી નિર્બળોની રક્ષા કરવી જોઈએ. એટલે 'દ' કહીને આપણને દયાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે.

માનવોના પ્રતિનિધિને પણ બ્રહ્માએ એ જ ઉપદેશ આપ્યો કે, 'દ'.

માનવોને થયું કે આપણને પણ એ જ ઉપદેશ આપવામાં આવ્યો છે. એનો અર્થ શું સમજવો ? એનો અર્થ એ જ કે આપણે દાન કરતાં શીખવું જોઈએ. જે વ્યક્તિ કે સમષ્ટિ સ્વાર્થી બને છે એ આગળ નથી વધી શકતી. પોતાની ને પોતે જે સમાજમાં રહે છે તે સમાજની સુખાકારી માટે માણસે એકલપેટાપણાનો ત્યાગ કરીને બીજાની સેવા કરવા તૈયાર રહેવું જોઈએ. સેવાધર્મથી સમાજ ટકે છે ને સમૃદ્ધ, સંવાદી તથા સુખી થાય છે. એટલે જીવનમાં જે મળે તે પરમાત્માનું સમજીને તેનો વિનિયોગ સમાજની સુખાકારી સારૂ કરવો આવશ્યક છે, એવી વૃત્તિ ને પ્રવૃત્તિવાળા મનુષ્યો જ સૃષ્ટિને સ્વર્ગસમી સુખદ બનાવી શકે. એ સંદર્ભમાં આપણે માટે દાનનો ઉપદેશ યથાર્થ છે.

ઉપનિષદકાળની એ કથાને તો વરસો વીતી ગયાં પરંતુ એનો સંદેશ આજે પણ એટલો જ ઉપયોગી છે. મનુષ્યની અંદર દેવ, દાનવ અને માનવ ત્રણેનો વાસ છે. એ ત્રિપુટી એની સાથે જ રહેતી હોય છે. એને ઉત્તમ ભાવો, વિચારો ને સંસ્કારો દેવ બનાવે છે, અને એથી ઊલટું અધમ ભાવો, વિચારો ને કર્મો દાનવ જેવો કરી દે છે. પોતાને ને બીજાના જીવનને સુખમય કરવા માટે એણે પોતાની પ્રકૃતિ પર કાબૂ કરતાં શીખવું જોઈએ. મન તથા ઈન્દ્રિયોનો સંયમ, દયા ને દાન જીવનને આદર્શ બનાવે છે ને ઉજ્જવળ કરે છે. એ ત્રિવેણીસંગમથી સંપન્ન મનુષ્ય સંસારની મહામૂલ્યવાન મૂડીરૂપ બની જાય છે. જીવનની શાંતિ તથા સમાજની સમૃદ્ધિ માટે એ ત્રણે વસ્તુઓની આજે આપણને અનિવાર્ય આવશ્યકતા છે, અને એ આવશ્યકતા કાયમને માટે રહેવાની જ. એ દષ્ટિએ 'દ'ના ઉપદેશનું મૂલ્ય ઘણું મોટું છે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.