Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન શંકર ભોળા કહેવાય છે. ભક્તો પર એ સત્વર કૃપા કરે છે એટલા માટે એમને આશુતોષ પણ કહેવામાં આવે છે.

કહે છે કે એ જો પ્રસન્ન થાય તો ભક્તો કે શરણાગતોને આંખ મીંચીને, છૂટે હાથે, ઈચ્છાનુસાર વરદાન આપી દે છે. એમની કૃપાથી એમની ભક્તિ કરનાર ધન્ય બને છે.

એટલા માટે તો સંતો તથા શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે એમના સમાન અનુગ્રહ કરનાર દેવ બીજા કોઈ જ નથી.

પ્રસંગો પણ એ હકીકતની સાક્ષી પૂરે છે.

રાવણ એમની કૃપાથી ધન્ય બની ગયો અને બાણાસુર પરમ ઐશ્વર્યશાળી થયો.

પુરાણકાળમાં ભસ્માસુરે ભયંકર તપ કર્યું તેથી ભગવાન શંકરે પ્રસન્ન થઈને તેને વરદાન માંગવાનું કહ્યું.

ભસ્માસુરની તપશ્ચર્યા સ્વાર્થબુદ્ધિથી પ્રેરાઈને થયેલી હતી. એની પાછળ કોઈ લોકોપકારી હેતુ ન હતો. એણે પોતાની આસુરી બુદ્ધિની અસર નીચે આવીને માંગ્યું :

'તમે મારા પર સાચેસાચ પ્રસન્ન થયા હો તો એવું વરદાન આપો કે જેના મસ્તક પર હું હાથ મૂકું તે ભસ્મ થઈ જાય.'

શંકર ભગવાને કહ્યું, તથાસ્તુ.

બસ, પછી તો શું જોઈએ ? ભસ્માસુરને થયું કે શંકરનો કાંઈ ભરોસો નહિ. એમનું વરદાન સાચું છે કે ખોટું એની ખાતરી કરવી જોઈએ. એને માટે દૂર જવાની જરૂર નથી. પહેલાં શંકર પર જ પ્રયોગ કરી જોઉં.

એ શંકરના મસ્તક પર હાથ મૂકવા ઉપડ્યો.

ભગવાન શંકર બધી પરિસ્થિતિ પામી જઈને દોડવા માંડ્યા.

છેવટે વિષ્ણુ ભગવાને મોહીનીરૂપ લઈને એમને સહાયતા કરી.

ભગવાનનું મોહિનીરૂપ જોઈને ભસ્માસુર મંત્રમુગ્ધ જેવો બની ગયો.

વિષ્ણુ ભગવાન સ્ત્રી રૂપમાં નૃત્ય કરવા લાગ્યા તેમ ભસ્માસુર પણ નાચવા અને એનું અનુકરણ કરવા માંડ્યો. એ પૂરેપૂરો પરવશ બની ગયો છે એ જોઈને જુદા જુદા અભિનય કરતાં-કરતાં લાગ જોઈને વિષ્ણુ ભગવાને પોતાના મસ્તક પર હાથ મૂક્યો તો ભસ્માસુરે પણ એનું અનુકરણ કર્યું અને એ ભસ્મિભૂત થઈ ગયો. ભગવાન શંકર ભયમુક્ત બન્યા.

પુરાણકાળનો એ ભસ્માસુર તો નાશ પામ્યો પરંતુ જગતને માટે સર્વોપયોગી સનાતન સંદેશ મૂકતો ગયો. ભસ્માસુરની જેમ જે અનિષ્ટ, આસુરી તત્વો સ્વાર્થબુદ્ધિથી પ્રેરાઈને શુભનો સામનો કરવા અને એનો સર્વનાશ નોતરવા તૈયાર છે. તે શુભનો નાશ તો નથી કરી શકતા પરંતુ પોતાનો જ નાશ નોતરી લે છે. એ પદાર્થપાઠને યાદ રાખવામાં આવે તો માણસ સદા શુભ અને સત્યનો જ આરાધક બને અને જીવનમાં મંગલની જ ફોરમ ફેલાવીને ધન્ય બનવાની સાથે બીજાને પણ ધન્ય કરે.

જગતમાં આજે જડવાદના ભસ્માસુરની બોલબાલા છે. એ અહંકારયુક્ત, ઉન્માદી, જડવાદરૂપી ભસ્માસુર જ્યાં જાય છે ત્યાં આતંક ફેલાવે છે, સંસારનાં શિવ અથવા શુભ તત્વોને માટે ભયજનક સાબિત થાય છે. સંસ્કૃતિનું ઉદાત્ત અંતર અથવા એનું જે સત્ય, શિવ ને સુંદર છે તે એથી ભયમાં મૂકાયું છે. છતાં પણ ભસ્માસુર એને ભરખી નહિ જઈ શકે, માનવમનની ઉદાત્ત ભાવનાઓ અને આધ્યાત્મિકતા જ આખરે તો વિજયી ઠરશે.

 - શ્રી યોગેશ્વરજી