Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહાભારતને મોતીની કોઈ અસાધારણ ખાણની સાથે જ સરખાવી શકાય. એની અંદર મોતી કરતાં પણ મહામૂલ્યવાન જીવનોપયોગી અનેક પ્રસંગો છે. એ પ્રસંગોના પરિચયથી આપણને આનંદ તો મળે છે જ, પરંતુ પ્રેરણાની પણ પ્રાપ્તિ થાય છે.

એ પ્રસંગોમાંથી એક સુંદર પ્રસંગનો પરિચય કરવા જેવો છે.

મહાભારતના ભીષણ યુદ્ધસંહારને પરિણામે પેદા થયેલ શોકને દૂર કરવા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો. એ યજ્ઞનો અશ્વ સમસ્ત ભારતમાં ફરીને એકાદ વરસમાં પાછો આવ્યો. કોઈ એને રોકી કે બાંધી શક્યું નહિ.

યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બ્રાહ્મણો તથા ગરીબોને ધનધાન્યની પ્રપ્તિ થઈ. મહારાજા યુધિષ્ઠિર યજ્ઞની સફળતાના ઉલ્લાસમાં યજ્ઞભૂમિમાં બેઠા હતા. એ વખતે ત્યાં એક નોળિયો આવી પહોંચ્યો. એ નોળિયો બીજા સામાન્ય નોળિયા કરતાં જુદી જાતનો હતો. એનું અડધું શરીર સોનાનું હતું.

યજ્ઞભૂમિમાં આવીને એ નોળિયો ખૂબ આળોટ્યો. અને પછી મનુષ્યની જેમ સભાજનોની સામે હસીને કહેવા માંડ્યો કે આ યજ્ઞને શું તમે સૌથી ઉત્તમ કહો છો ? આ યજ્ઞ કરતાં તો કુરુક્ષેત્રની પુણ્યભૂમિમાં મેં જે યજ્ઞનું દર્શન કરેલું તે યજ્ઞનો મહિમા વધારે હતો.

નોળિયાની વાત સાંભળીને સભાજનો નવાઈ પામ્યા, ત્યારે નોળિયાએ કહ્યું કે, એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. હું સાચું જ કહું છું કે બહારથી મોટા દેખાતા યજ્ઞ કરતાં મેં જોયેલો પેલો સેવાયજ્ઞ દેખીતી રીતે ઘણો નાનો છતાં પણ ચઢિયાતો હતો.

નોળિયાની વાત સાંભળીને સૌને એ વિશે જાણવાની ઈચ્છા થઈ. એટલે નોળિયાએ નજરે જોયેલી ઘટના કહેવા માંડી. એના કથનનો સાર એવો હતો કે કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવનું ઘોર યુદ્ધ થયું તે પહેલાં-લાંબા વખત પહેલાં, એ ભૂમિમાં એક દીન બ્રાહ્મણ તેના પુત્રી, પુત્રવધુ ને પુત્રની સાથે રહેતો હતો. એ ચારે દિવસમાં માત્ર એક જ વાર જમતાં અને ખેતરમાંથી ખેડૂત દાણા લઈ જાય પછીથી પડી રહેલા દાણા વીણીને ગુજરાન ચલાવતાં.

એવી રીતે કેટલાક કાળ સુધી એમણે ઉગ્છવૃત્તિવ્રત પાળ્યું. પછી દેશમાં દુકાળ પડ્યો, એટલે એમને માટે મુશ્કેલી ઊભી થઈ. એ દિવસોમાં એક વાર એમને મહામુસીબતે માંડમાંડ થોડા જવ મળી શક્યા. એ જવનો સાથવો બનાવીને એના ચાર સરખા ભાગ કરીને એ ખાવા બેઠાં.

એ જ વખતે એમની પાસે એક અતિથિ આવી પહોંચ્યો. અતિથિને દેવ માનીને એની યથાશક્તિ સેવા કરવાની પરિપાટી એ વખતે પ્રચલિત હતી. તે પ્રમાણે બ્રાહ્મણે પોતાનો ભોજન ભાગ અતિથિને આપી દીધો.

અતિથિને હજી પૂરી તૃપ્તિ નથી થઈ એ જોઈને બ્રાહ્મણની સ્ત્રીએ, પછી બ્રાહ્મણના પુત્રે અને બ્રાહ્મણની પુત્રવધૂએ પણ પોતાને ફાળે આવેલો ભાગ એને સ્વેચ્છાથી અર્પણ કર્યો.

અતિથિ એ ભોજનથી તૃપ્ત થયો ને બોલ્યો કે તમારી અતિથિસેવાની ભાવનાને ધન્ય છે. એથી હું પ્રસન્ન થયો છું. ભૂખ્યાને ભોજન આપવાનો આત્મસમર્પણ ભાવથી ભરેલો આજે જે યજ્ઞ થયો છે એની આગળ અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞની પણ વિસાત નથી.

એવું કહીને અતિથિ દેવ અદૃશ્ય થયા. પછી એ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને બ્રાહ્મણને એના પરિવાર સાથે સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ.

નોળિયાએ ઉપસંહાર કરતાં કહ્યું કે, એ સેવાયજ્ઞની પરિસમાપ્તિ પછી મારા નજીકના દરમાંથી બહાર નીકળીને એ અતિથિના એંઠા પતરાળા પર હું આળોટ્યો. એ પતરાળામાં લગીર સાથવો હતો. તેના સ્પર્શથી મારું અડધું શરીર સોનાનું થયું. બાકીનું અડધું શરીર સોનાનું કરવા જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં હું પહોંચી જાઉં છું. રાજા યુધિષ્ઠિરના વિશાળ યજ્ઞની વાત સાંભળીને હું અહીં પણ આવી પહોંચ્યો. પરંતુ યજ્ઞભૂમિમાં આળોટવા છતાં મારું શેષ શરીર સોનાનું ના થઈ શક્યું. એટલે જ, મારા અનુભવના આધાર પર કહું છું કે આ યજ્ઞ કરતાં પેલો યજ્ઞ શ્રેષ્ઠ હતો.

સભાજનો નોળિયાની વાત સાંભળીને પ્રસન્ન થયાં. નોળિયાની વાતનો મર્મ ઘણો માટો હતો. જે યજ્ઞની પાછળ હજારો કે લાખો રૂપીયા ખર્ચાય છે, પુષ્કળ સામગ્રી વપરાય છે, અને જે અંગત સ્વાર્થવૃત્તિને સંતોષવા, પ્રતિષ્ઠાને પોષવા, રૂઢી અથવા પરંપરાનું પાલન કરવા, દેખાદેખીથી કરવામાં આવે છે તેના કરતાં બીજાની અંદર ઈશ્વરના પરમ પ્રકાશની ઝાંખી કરીને, બીજાને સુખશાંતિ અને આરામ આપવાના, બીજાના આંસુને લૂછવાના, બીજાની પીડાને શમાવવાના, બીજાને એક યા બીજી રીતે ઉપયોગી થવાના, અથવા બીજાને માટે ઘસાવાના, સેવાયજ્ઞ વધારે કીમતી છે, ઉપયોગી છે, ને કલ્યાણકારક છે. એવા સેવાયજ્ઞો જ્યારે પ્રત્યેકના જીવનમાં શરૂ થશે ત્યારે પોતાને માટે તો શ્રેયસ્કર કે શાંતિકારક થશે જ, પરંતુ બીજાની અથવા તો સમસ્ત સમાજની પણ કાયાપલટ કરી દેશે. સમસ્ત સમાજ એથી સોનેરી બનશે. એવા નિઃસ્વાર્થ સેવાયજ્ઞોની આપણને આવશ્યકતા છે.

 - શ્રી યોગેશ્વરજી