Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતના જ નહીં પરંતુ સમસ્ત સંસારના આધ્યાત્મિક જગતના મહાન જ્યોર્તિધર શ્રી આદ્ય શંકરાચાર્ય.

હિંદુ ધર્મના વિશાળ વ્યોમમાં જ્યારે વિપત્તિના વાદળાં છવાઈ ગયેલાં અને ધર્મનું સાચું સ્વરૂપ ભૂલાઈ ગયેલું ત્યારે એ અસાધારણ પ્રતિભાસંપન્ન શક્તિશાળી જ્યોર્તિધરનું પ્રાકટ્ય થયું, અને એ પ્રાકટ્ય સમસ્ત દેશને માટે અમુલખ આશીર્વાદરૂપ થઈ પડ્યું. બત્રીસ વરસની નાની વયમાં એમણે કરેલું વિવિધલક્ષી લોકકલ્યાણનું કાર્ય આજે પણ અમર છે, એવું જ પ્રાણવાન છે, અને એમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરે છે.

એ મહાપુરુષના જીવનની એક પ્રેરણાત્મક વાત છે.

એ વાત શાંતિથી સમજવા જેવી છે.

કહે છે કે એકવાર ભારતવર્ષના પોતાના પ્રવાસ દરમિયાન ફરતા ફરતા એ વૈષ્ણવી દેવી આવી પહોંચ્યા.

વૈષ્ણવી દેવી કાશ્મીરનું મોટું તીર્થધામ ગણાય. દર વરસે નવરાત્રીના દિવસોમાં ત્યાં મોટો મેળો ભરાય. દેશના વિભિન્ન વિભાગોમાંથી લોકો ભારે ઉત્સાહ સાથે ત્યાં ભેગા થાય.

કાશ્મીરમાં શક્તિ ઉપાસનાનું જોર વધારે. શંકરાચાર્યે શુદ્ધ આત્મજ્ઞાનની પ્રતિષ્ઠા માટે એ ઉપાસનાની વિરુદ્ધ પંડીતો સાથે શાસ્ત્રાર્થ કરવા માંડ્યો.

એ શાસ્ત્રાર્થને લીધે પંડિતો અને ઉપાસકોમાં ખળભળાટ મચી ગયો.

શંકરાચાર્યની પ્રખર તર્કશક્તિ કે મેધા આગળ પંડિતો ટકી ના શક્યા તો પછી સામાન્ય જનતાનું તો કહેવું જ શું ? એમની શ્રદ્ધા હાલવા માંડી.

લોકોને લાગ્યું કે કાશ્મીરમાંથી શક્તિ સંપ્રદાયનો નાશ થઈ જશે. આ સંન્યાસીનું આગમન એટલા માટે જ થયું લાગે છે. એ શક્તિનું ખંડન કરે છે ને શક્તિ ઉપાસનાની વિરુદ્ધ એવી અકાટ્ય દલીલો કરે છે કે અસાધારણ કહેવાતા વિદ્વાનો પણ એમના ઉત્તરો નથી આપી શકતા.

કાશ્મીરના ખૂણેખૂણેથી વૈષ્ણવી દેવીમાં ટોળે વળેલા વિદ્વાનો નિરાશ થઈ થઈને પાછા ફરવા માંડ્યા.

એ દિવસોમાં એક અદ્દભૂત બનાવ બન્યો.

વધારે પડતા પરિશ્રમને લીધે કે કાશ્મીરનું પાણી માફક ન આવવાથી, ગમે તે કારણે, શંકરાચાર્યનું સ્વાસ્થ્ય બગડ્યું અને એમને તાવ આવવાથી એ પથારીવશ બની ગયા. એમને માટે વાદવિવાદ કે શાસ્ત્રાર્થ કરવાનું તો ઠીક પરંતુ હરવા-ફરવાનું પણ મુશ્કેલ બની ગયું.

થોડાક દિવસો એવી અસ્વસ્થ દશામાં પસાર થઈ ગયા પછી એક દિવસ વહેલી સવારે એમની આગળ એક નવેક વરસની વયની તેજસ્વી કન્યા આવી.

એ એમને પ્રણામ કરીને બોલી, 'હું તમારું દર્શન કરવા ને તમારો શાસ્ત્રાર્થ સાંભળવા આવી છું પરંતુ તમે તો સૂઈ રહ્યાં છો. તમે હરતાફરતા કેમ નથી ?'

'મારામાં શક્તિ નથી.' શંકરાચાર્યે ઉત્તર આપ્યો.

'શક્તિ નથી ? તમે શક્તિમાં માનો છો ?'

'કેમ ના માનું ? મારામાં શક્તિ નથી એટલે તો પથારીમાં પડ્યો છું. ને મારી બધી જ બાહ્ય પ્રવૃત્તિઓ બંધ પડી છે.'

'એમ ?' છોકરી બોલી, 'મને તો એવું લાગતું'તું કે તમે શક્તિમાં નહિ માનતા હો. માટે તો તમે પંડિતોની શ્રદ્ધાને હલાવવા માટે શાસ્ત્રાર્થ દ્વારા પ્રવૃત્તિ કરી રહ્યા છો. કાશ્મીરમાં આવીને તમે શક્તિમાર્ગનું ખંડન કરો છો એથી મને આશ્ચર્ય થાય છે કે શક્તિમાં માનતા હોવા છતાં એવું અનર્થકારક કામ કેવી રીતે કરી શકો છો ?'

શંકરાચાર્ય તો છોકરીના શબ્દો સાંભળીને વિસ્મય પામ્યા. એમને થયું કે છોકરી કોઈ સાધારણ છોકરી નથી.

ત્યાં તો કન્યાએ કહ્યું, 'તમે મને નથી ઓળખી શક્યા પરંતુ હું વૈષ્ણવી દેવી પોતે છું. તમને દર્શન આપવા આવી છું.'

'વૈષ્ણવી દેવી ?'

'હા, વૈષ્ણવી દેવી.'

કન્યાના શરીરમાંથી પ્રકાશનાં કિરણો ફૂટ્યાં. શંકરાચાર્યને શંકા ના રહી કે પોતાની આગળ સાક્ષાત દેવી જ મૂર્તિમંત થઈ છે.

દેવીને એ પગે લાગ્યા એટલે દેવીએ કહ્યું, 'શંકર, મેં તને મારા મહિમાનું ભાન કરાવવા જ તાવ લાગુ કરીને પથારીવશ કર્યો છે. તું મને નથી માનતો પણ હવે સમજી શકીશ કે હું તારા કરતાંય વધારે વાસ્તવિક છું. શક્તિ સંપ્રદાયમાં અને દેવીની ઉપાસનામાં કોઈક દોષો જરૂર હશે. તે દોષો પ્રત્યે લોકોનું લક્ષ ખેંચવાને બદલે તું તે ઉપાસના તથા સંપ્રદાયનું જ નિકંદન કાઢવા માગે છે તેથી લોકોનું યથાર્થ હિત નહિ થાય.'

શંકરાચાર્યને નવી જ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ. એમણે દેવીની સ્તુતિ કરી.

દેવીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'તારો તાવ મારી કૃપાના પરિણામરૂપે આજથી જ મટી જશે, પણ તું હવે વધારે ખંડન ના કરીશ.'

અને દેવી અંતર્ધાન થઈ ગઈ.

એ પછી શંકરાચાર્યનું સ્વાસ્થ્ય સુધરી ગયું. એમણે શક્તિધર્માવલંબી પંડિતો સાથેનો શાસ્ત્રાર્થ માંડી વાળ્યો. એને બદલે દેવી પ્રત્યેના ભક્તિભાવ ભરેલું સુંદર સ્તોત્ર રચ્યું. થોડા દિવસો પછી એમણે કાશ્મીરની વિદાય લીધી.

વૈષ્ણવી દેવીની એ કથાથી ઉત્સાહિત થઈને આજે પણ લાખો ભાવિકો એની યાત્રા કરે છે અને એને પોતાની અંજલિ ધરે છે.

 - શ્રી યોગેશ્વરજી