પીંજરથી છૂટી પંખી નવચેતન પામીને
અભિનવ સામર્થ્યે સોહે બંધનથી મુક્ત બનીને,
પાંખોને ફફડાવીને સ્વૈરવિહાર કરે વ્યોમે
સ્વેચ્છાએ વિહરે વાસે કિલ્લોલે સ્વતંત્ર ભોમે.
પંખીની સાથે વિચરે ક્રીડે નંદનવન જેવા
જીવનનો ઉત્સવ માણી સર્વત્ર સમર્પે સેવા.
પીંજરની કુંઠિત શક્તિ અણમોલ અસીમ બનીને
અવતાર અનેરો અર્પે પ્રાણે ચૈતન્ય ભરીને.
તમે બંધનમુક્ત બન્યાં છો તો ધ્યાન અધિકતર આપો
સંતપ્ત હૃદયને ઠારો ને ક્લેશ જગતના કાપો.
સવિશેષ શક્તિથી રક્ષો નિર્બળ પથભ્રાંત જનોને
કરુણાથી તારો મરતાં જડતામાં મગ્ન મનોને.
તમે કેવળ મુક્ત બન્યાં તો સંભાળ અધિકતર રાખો,
અંધારા અવનીકેરાં મૃતપ્રાય સૌ કરી નાખો.
- શ્રી યોગેશ્વરજી

