Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કહે નાનાં બાળકો સાંજે સદા,
દૂર ફરવાકાજ માતાજી ગયાં
માર્ગ ભૂલ્યાં કે પછી વાતે વળ્યાં,
ક્યાંક કરવા વિરાજ્યા વિશ્રામને.
આવવાં જલદી જ જોઇએ હવે,
નહીં ભૂલ્યાં હોય આપણને ખરે.

કહે મોટેરાં, પ્રવાસમહીં ગયાં,
હવે પાછાં ના ફરી શકશે કદી.
વિકટ છે યાત્રા સુદીર્ઘ અનંત ને
જમી લો એકલ છતાંય એટલે.

કહે નાનાં બાળકે, મોડા અમે
પડીએ તો શોધવા આવો તમે,
જમો ના, ના જમીએ સૌ ત્યાં સુધી
નિરાંતે ઊંઘી શકો ના સ્નેહથી.

સ્નેહ તો ના સ્વલ્પ માતાજીતણો,
શોધવા ના છતાં નીકળતાં તમો,
નિરાંતે વાતો કરો બેસો જમો
બનો નિંદ્રાધીન રસપૂર્વક રમો.
લાગણી ક્યાં તમારી સઘળી ગઇ
પ્રતીક્ષા કરતાં વિપળ પણ કો નહીં.

કહે મોટેરાં ગયાં છે સ્વર્ગમાં.
વદે બાળક, સ્વર્ગમાં ? તો સ્વર્ગમાં
જઇને મળવું ઘટે છે એમને.
જઇશું કાલે; વડીલ મનાવતાં.

કહે બાળક, કાલ કાલ કહી તમે
વિલંબ કરો વ્યર્થ એમ પટાવતાં.
લાગણી જો હોય તો ચાલો હવે
હોય ખૂણેખાંચરે ભૂગર્ભમાં
હોય જ્યાં ત્યાંથી લઇને સાથમાં
ફરીએ પાછાં. હવે વધુ વાર ના
વિયોગ શકાયે સહી કટુ એમનો.
દ્રવે ખૂણો વડીલોની આંખનો.

 - શ્રી યોગેશ્વરજી