Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લાભાલાભે અને માને અપમાને સુખેદુઃખે
શુભાશુભમહીં રાખે મનને સ્વસ્થ સર્વદા.
આત્માનંદમહીં મગ્ન પૂર્ણ નિશ્ચિંત નિર્ભય
નમ્રાતિનમ્ર વિષયો વચ્ચે શાંત અચંચળ.

કાચબો જેમ સંકેલે, સંકેલી તેમ ઇન્દ્રિયો
વસે સંયમ સાધીને વિતરાગ સદા બની
પ્રલોભન કરે કોઇ પ્રભાવિત જરાય ના.
અધ્યાત્મનિષ્ઠ આસક્તિ-મમતાયુક્ત નિર્મળ

પરમાત્મતણી પ્રીતિ અનુસંધાન આત્મનું
રાખે અક્ષય પામીને બળ આત્મવિચારનું
અન્યની શાંતિને માટે તેમ ઉન્નતિ સાધવા
જીવે જગે કહ્યા એવા વચનો સ્થિતપ્રજ્ઞનાં.

વિચારેલું તમે એવી પામવા સ્થિતપ્રજ્ઞતા,
હતું સાધન ના નાનું સહેલું એટલું છતાં
સાધનાની તમે પામ્યા સંસિદ્ધિ છેવટે અહીં,
તમારામાં નિહાળ્યાં એ લક્ષણો સ્થિતપ્રજ્ઞનાં

ધારે તો માનવી શું ના કરી જીવનમાં શકે
બતાવ્યું તે તમે, શાંતિ-પૂર્ણતા મેળવી શકે.
વાસનાથી બની મુક્ત કરે જીવન ઉજ્જવળ
અમને એટલા માટે અર્પો બળ અને વર

શ્રાદ્ધનાં દિવસે આજે માગીએ માત્ર એટલું
રહીએ અભ્ર આકાશે એમ નિર્લિપ્ત નિર્મળ.

- શ્રી યોગેશ્વરજી