Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમને માન પહેલાં આપતો ને અપાવતો
દેશે વિદેશમાં તેમ યશ અક્ષય રાખતો.
બેસાડતો પહેલાં ને પછી બેસી સભાસ્થળે
વ્યાસપીઠથકી દેતો વક્તવ્યો શ્રેયમાર્ગનાં.

જમાડતો પહેલાં હું તમને, જમતો પછી
પ્રવાસમાં કરી દેતો જગ્યા સૂવાતણી.
યાત્રા જીવનની મીઠી કરવા સુખશાંતિદા
આવશ્યકતા પ્રમાણેની કાળજી રાખતો ઘણી.

વ્યાધિગ્રસ્ત અવસ્થામાં તમને ન્હવડાવતો,
પરિધાન કરાવીને વસ્ત્રો આરામ આપતો;
મોટરે બેસતી વેળા બેસાડી તમને પછી
બેસતો મોટરે, નાનાંમોટાં સૌ કષ્ટ કાપતો.

અશ્રુને લૂછતો પીડા પ્રાણકેરી શમાવતો,
સંતપ્ત અંતરાત્માને અર્પતો છાંય શીતળા,
મનોરથ બધા પૂરા કરતો મિષ્ટ વાણથી
સંતર્પતો; ધરી દેતો ધ્વનિ નૂતન ગીતના.

એથી સરળતા સર્વે સાંપડી ને શુભાશિષો,
અનુકૂળ બની અંતે ભાગ્યશ્રી સિદ્ધિઓ વરી.
સાફલ્ય જિંદગીકેરું તમને પણ સાંપડ્યું.
માતૃસેવાથકી દીસે પદ દુર્લભ ના કશું.

અશક્ય સુખ ના કોઇ કોઇયે સિદ્ધિ કે વર,
માતૃસેવાથકી શક્તિ સાંપડે શાંતિનિર્ઝર.

- શ્રી યોગેશ્વરજી