Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જન્મે રડે સ્મિત કરે રમતે ચઢે ને
ચાલે ધરા પર ધરી ચરણો પ્રસન્ન,
દોડે ભણે; શિશુ મટી બનતાં યુવાન
ચાંલ્લો થતો કદિક લગ્ન કરે કમાય.

વૈધવ્ય વ્યાધિ વિપરિત પ્રસંગ આવે
વાર્ધક્ય; શોકસુખ ને દુઃખહાનિલાભ
સંપત્તિ ને વિપત માન વળી વિમાન
છાયા ઘડીક ક્ષણ બે ક્ષણ તીવ્ર તાપ
વેઠી બને દિવસ એક પછી વિદાય.

આવે ટપાલ નવ તાર નહીં ન ફોન
કોઇય કે ખબર, જે પડદો પડે તે
કોઇ શકે ન ઉંચકી અવિરામ એવી
લીલા બધે જગતમાં સરખી જ ચાલે.

એને કહે મનુજ જીવન, જિંદગીની
એ તો પરંતુ અતિક્ષુલ્લકશી સપાટી.
એમાં રહી જન કરે નિત નવ્ય યાત્રા
ઉત્કર્ષની, સુખ ધરે ચિરશાંતિ અર્પે
સત્પ્રેરણા પરબ જ્યોત બને અનેરી
યાત્રી બની સરસ સુંદર લે વિદાય.

એવાં ખરે વિરલ માનવ વિશ્વમાં આ;
મેં વર્તમાન યુગમાં તમને જ દીઠાં.

- શ્રી યોગેશ્વરજી