Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગામમાં વરસો પછી પાછો ફર્યો છું.
દુનિયામાં કહે છે કે ક્રાંતિ થઈ છે
પરંતુ અહીં તો એના એ ઉકરડા,
એની એ થોર, કાંકરાપથરા, એની મૃત્તિકા,
પુરાણાં તોતીંગ મકાનો તૂટી પડ્યાં છે,
ખંડેર વધ્યાં છે.

શ્વાન નિષ્ક્રિય બનીને આમતેમ ફર્યા કરે છે,
ગદર્ભ ટોળે વળે છે.
પુરાણા પરિચિત કેટલાય વિદાય થયા છે,
નવાએ અભિનય આદર્યા છે.
એ જ રસ્તા, એમની ઉપર એવાં જ ચીંથરાં,
એ જ છાપરું, વૈશાખનું એ જ તાપણું;
જન્મભૂમિમાં વરસો પછી પાછો ફર્યો છું.

ગામ એનું એ રહ્યું, હું કેટલો બદલાઈ ગયો ?
દુર્વિચાર, દુર્વિકાર, દુષ્કર્મ, દુઃખ, દૌર્મનસ્ય..
પરંતુ માતા નથી બદલાઈ.
એ જ ભાવમય માયાળુ મુખાકૃતિ
એવી જ વહાલભરેલી વાણી,
કાયા પર કાળનો પ્રભાવ પડવા છતાં
પણ મન પર નથી પડ્યો —

એ જ પ્રેમ, એ જ કરુણા, કલ્યાણકામના.
મને આવેલો જાણીને લાકડીને ટેકે બહાર આવી.
બોલવું હશે પણ બોલી ના શકી.
આંખની રોશની ઝાંખી પડી છે.
એમાંથી અશ્રુબિંદુ ટપકી પડ્યાં.

હું કેટલો બધો બદલાઈ ગયો છું ?
બાર વરસ પહેલાં અહીંથી નીકળેલો
ત્યારે અને આજે....
આજે કેવો છું, કેવો બની ગયો છું ?

પરંતુ માતા નથી બદલાઈ.
એના અશ્રુ એ જ છે.
એણે ક્રાંતિ કરી, મારી કાયાપલટ કરી.

- શ્રી યોગેશ્વરજી