કહે છે કે માનવ આગળ વધ્યો.
અવકાશના આરોહણથી ચંદ્રલોકમાં પહોંચ્યો.
સુસંસ્કૃત બન્યો.
મચ્છરો મટ્યા નથી,
બગાઈઓ એવી ને એવી જ છે,
ખસ ખુજલી ખણખોદનો પાર નથી,
તો પણ કહે છે કે માનવ આગળ વધ્યો.
કથા તો એવીને એવી જ રહે છે.
અભિનય અલગ અલગ, પાત્રો પૃથક્ તો પણ
નાટક તો એવું જ ભજવાય છે.
યુગેયુગે, ક્ષણેક્ષણે સીતાહરણ થાય છે,
રામ વનમાં જાય છે,
સમુદ્ર પર સેતુ બંધાય છે,
રાવણ રણમાં રોળાય છે;
એનું એ રામાયણ રચાય છે.
- શ્રી યોગેશ્વરજી

