Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વડોદરા.
તા. ૧૫ જુલાઈ, ૧૯૪૦

વહાલા ભાઈ,

તમારા પત્રમાં તમે જે પ્રશ્નને સ્પષ્ટ કર્યો છે તે નવીન નથી. આપણે તે વિષે પહેલાં ઘણી વાર વાત કરી છે પણ આટલો વાસ્તવિક તે કોઈ કાળે જણાયો ન હતો, એ દૃષ્ટિએ જોતાં તેની કીંમત આજે ખૂબ વધી પડી છે.

તમે જે બેનનો નિર્દેશ કર્યો છે તે બેનને હું જાણું છું. તેમની ઉંમર ધાર્યા પ્રમાણે ૧૨-૧૩ વર્ષની હશે.

આપણાં માતા-પિતા પુત્ર-પુત્રીને પરણાવી દેવામાં જીવનની ઈતિ કર્તવ્યતા માને છે. પુત્રને પરણાવી દીધો એટલે જગ જીત્યા એવો એમને ખ્યાલ હોય છે. પણ એ આટલી બધી ઉતાવળ કાં કરતાં હશે ? શું તેઓ એમ નથી ઈચ્છતાં કે તેમનો પુત્ર સામાન્ય મટી અસામાન્ય થાય ? શું તેઓ એમ નથી ઇચ્છતાં કે તેમનો પુત્ર અમુક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી, ને બને તો આજીવન બ્રહ્મચારી રહી, પોતાનું તેમજ બીજાનું ભલું કરે ? આખી દુનિયામાં તે આગળ આવે, છાતી કાઢીને ઉભો રહે, એમ એ કેમ નથી ઈચ્છતાં ? ને એ ખરેખર જ એમ ઈચ્છતાં હોય, તો પોતાના જ પુત્ર પર એક પ્રકારનો ભાર-કવખતનો ભાર-મૂકી પોતાના જ પુત્રને નીચે ચગદવા શા માટે તૈયારી કરતાં હશે ? આપણે બધા આનો ઉત્તર જાણીએ છીએ. કોઈ કહે છે કે માબાપનો પ્રેમ ખૂબ ઉભરાઈ જાય છે માટે એ આમ કરે છે. શું એ સાચું છે ? માબાપનો પ્રેમ ઉભરાઈ જતો હોય તો પોતાના સ્વાર્થ સારુ પુત્રના જીવનને એ જંજાળથી શા માટે જકડી દે ? શું માબાપ આવી જ રીતે પુત્ર પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી શકે છે ? તેને આગળ વધવા ઉત્સાહ આપી, અનેક પ્રકારે તેને સંસ્કારથી અભિસીંચી, માબાપ પોતાનો પ્રેમ ન પ્રદર્શાવી શકે ? પણ આપણે ત્યાં ઘણે ઠેકાણે માબાપ જ સંસ્કારહીન જણાયાં છે, ને જ્યાં સંસ્કાર છે ત્યાં સ્વાર્થ ને ટૂંકી દૃષ્ટિના જાળાં પથરાયાં છે.

કોઈ કહે છે માબાપ પુત્રના લગ્ન કરી દે છે કેમ કે પોતાની પાછળ વંશ ચાલુ રહેતો જોવાને તે બહુ આતુર હોય છે. આપણે પૂછીશું કે લગ્ન કરવાથી પ્રજોત્પત્તિ થવાની જ છે એવી માબાપને ખાતરી છે ? કે લગ્ન કરવાથી જ વંશ રહી શકે છે ? અને એવા વંશ શું કામના ? કાળના સાગરમાં એમનું મૂલ્ય કેટલું ? દયાનંદ ને રામકૃષ્ણને કયા વંશજો હતા ? તુલસીદાસ ને સુરદાસને કયા પુત્રો હતા ? મીરાંને કયી બાલિકાઓ હતી ? શું એમનાં નામ જતાં રહ્યા છે ? ઠેકઠેકાણે ફૂટેલી ને ફાલેલી આર્યસંસ્થાઓ, ધર્મપીઠિકાઓ, ને તેમાં ધર્મસ્નાન કરતાં હજારો બાલક-બાલિકાઓ, દયાનંદના જ બાળકો નથી ? ‘મીરાં કે પ્રભુ ગિરિધર નાગર’ ગાનારી બધી જ કુમારિકાઓ કે માતાઓ મીરાંની જ વારસ નથી ?

છતાં પણ લગ્નજીવન નકામું નથી. સામાન્ય જન માટે તે અતિ આવશ્યક છે. જે બહુ ઉચ્ચ થઈ ગયા હોય છે તેમને તો એની પોતાને માટેની નિરર્થકતા આપોઆપ સમજાઈ ગઈ હોય છે.

લગ્નજીવન પ્રવૃત્તિ રોકે છે એ પણ પૂર્ણ સાચું નથી. એનાથી મર્યાદા બંધાય છે. પણ ઘણી વાર તે મર્યાદા સકારણ હોય છે ને લાભદાયી નીવડે છે. લગ્ન વિના એક હૃદય ઉચ્ચ થતું હોય છે તો લગ્નથી બે હૃદય ઉચ્ચ થાય છે એ પણ સાચું છે. અને લગ્ન કરનાર બેઉ વિશુદ્ધ હોય તો પરમ પ્રતિપક્ષ, દેહનાં બંધનને શિથિલ કરી, પ્રગતિ સાધે છે એ સ્પષ્ટ છે. ગાંધીજી ને કસ્તુરબા, કે કિશોરલાલ મશુરવાળાનો દાખલો સ્પષ્ટ છે.

પણ તે જ લગ્નજીવન એક બેન કે જેને આપણે બેન જ માનીને રમાડી છે, તેની સાથે ગાળવાનું હોય ત્યારે શું થાય ? અને તે પણ એ લગ્નજીવનમાં એવા પાત્રે પ્રવેશ કરવાનો છે, જેને લગ્નની આવશ્યકતા નથી.

આ સંબંધમાં તમે તમારી માતા પર પત્ર લખવા વિચાર્યું છે તે પ્રશસ્ય છે. મને તે રુચે છે. તમારી માતાને તમારે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ ને એમનું હૃદય ન દુભાય માટે તમારે લખવું જોઈએ કે મારું આખું જીવન આ રીતે લથડી જશે. હું લગ્ન કરવાનો જ નથી એમ નહિ, પણ હમણાં તો નહિ જ કરું. ને તે પણ આવી બેન સાથે એવો સબંધ બાંધતાં મને સંકોચ જ થાય. આગળ વધીને હું તો એમ પણ કહું છું કે માતા ન માને તો તમારે તમારા પિતાને વિનવવા મથવું. ને તે છતાં પણ પરિણામ તમારા હૃદય વિરુદ્ધ આવે તો તેનો ખુલ્લે હૃદયે વિરોધ કરવો. ફક્ત માતાપિતાનો જ વિચાર કરીને આપણા જીવનને જીવતું ન રાખવું. એમાં જરાય ડહાપણ નથી. અને માતાપિતાની દૃષ્ટિ ચોખ્ખી જ હોય છે એવું ક્યાં છે ?

પણ હમણાં તો તમારું સગપણ જ થયું હશે. લગ્નને વાર હશે. માતાપિતાની તૃપ્તિ અર્થે આપણા જેવાએ લગ્ન કરવાનું થાય તો ઓછામાં ઓછું ૨૨-૨૩ વર્ષે કરવું એવો મારો મત છે અને તે પણ જ્યારે આપણે આપણા પગ પર સ્થિર હોઈએ ત્યારે. તમારા સંબંધમાં તેમ થવાનું હોય તો તો હરકત જેવું કાંઈ નથી. પરંતુ તમારાં માતાપિતાને લગ્નનો લાડવો હમણાં જ ખાઈ લેવાની ઈચ્છા હોય, તો તો તમારે ના જ કહેવી જોઈએ એમ હું માનું છું. અને સાચાં માતાપિતા કે જે પુત્રનું હિત ઈચ્છે છે ને આણવા યત્ન કરે છે તે, વસ્તુસ્થિતિ સમજ્યા પછી, પોતાના સ્વાર્થ કાજે આઘાત ન જ પામે.

પણ તે છતાં તમારે લગ્ન કરવાનું થાય, તમારે માટે તે અનિવાર્ય બને, તો તેમાં નિરાશ થવાનું કાંઈ જ નથી. 'મા'ની ઈચ્છા સમજીને તેને તમારે વધાવવાનું જ છે. ત્યાર પછીની સ્થિતિ આપણા પર જ અવલંબે છે. જી. એમ. ભટ્ટ જેવા માણસનું તેમાં કામ નથી. તો પણ એમણે અમુક સમય સુધી જે બ્રહ્મચર્ય પાળ્યું તે ધન્યવાદ જ માગે છે. પણ વધુ ધન્યવાદ તો તેમની પત્નીને જ આપવા ઘટે. તેમની નિષ્ઠા મને એક ગુણિયલ બાલિકાની યાદ આપે છે. આપણે એવી જ બહેનોની જરૂર છે. તમારાં લગ્ન જેની સાથે થાય તે બેન જો એટલી નિષ્ઠા કેળવી શકે, ને તમે એમ કરવામાં એને સહાય કરો, તો તો 'મા'ની કૃપા જ સમજવી. તો જીવનમાં વિકૃતિ ન જ આવે. તો પછી લગ્ન થયું એમ કહેવાય જ કેવી રીતે ? હું તો ન જ કહું.

આમ આપણી પાસે વિવિધ માર્ગ છે. હજી હું એ વિષે વધારે લખી શકું એમ છું પણ સ્થળસંકોચ હોવાથી મુલતવી રાખું છું.

હમેશાં સારી ભાવનાઓ કેળવતા જાઓ, શુદ્ધ વિચાર સેવ્યા કરો, ને 'મા'ના સાતત્યમાં બનતો સમય પસાર કરો. એટલે ગમે તે પ્રસંગ આવશે, તેની અંદર સ્મિત સચવાશે જ. આપણું હૃદય તેમાંથી આપોઆપ પ્રગતિ શોધી લેશે.