સંબંધ એક બાંધ્યો મેં તો તમારી સાથે.
નિર્ભય બનીને આપ્યો છે હાથ તેમ હાથે.
ભાવોતણા ફુવારા જે રોમરોમ ફૂટે,
ને આંખથી તમારું સંગીત રોજ છૂટે;
તેથી તમારી પૂજા કીધી પ્રસન્નતાથી,
બીજી કશીય મારે છે ધન્યતા ન આથી.
મનડુ સદા તમારા રૂપે રમે ફરે છે,
વાણી સ્તવે તમોને દિલ એક થૈ મળે છે;
આનંદ આંગણે શો આઠે પહોર મારે,
ને શાંતિનો વરસતો વરસાદ કોટિ ધારે.
વરસો કૃપા સદાયે ને સ્થાન અંતરે દો,
મદદે હંમેશ રે’જો, સુખદુઃખ કૈં ભલે હો;
‘પાગલ’ તમારે માટે આ પ્રાણ જે થયો છે,
ભંડાર તે જ મારો, તમને વળી મળ્યો છે.
(૫-૧૨-૧૯૫૭, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

