Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

જીવતા દેવને સેવો, ઓ ભાઇ મારા,
જીવતા દેવને સેવો.
હાલતાં ચાલતાં બોલતાં ડોલતાં
દેવોની આશિષ પાવો ... ઓ ભાઇ મારા

મંદિર મસ્જીદ ગુરૂદ્વારામાં
શાંતિ લેવાને ભલે જાઓ,
દેહના મંદિરે દેવ વિરાજ્યાં,
તેનાં યે ગીતડાં ગાઓ ... ઓ ભાઇ મારા

તીરથનો છે મહિમા મોટેરો,
તીરથમાં ભલે જાઓ;
આતમતીરથ, તુલના ના થાય એની,
એને સેવી સુખ પાવો ... ઓ ભાઇ મારા

વેદ કુરાન ને ગ્રંથ વાંચો
ભલે બાઇબલ ઉથલાવો;
માનવજાતનો પ્રકૃતિગ્રંથ છે,
તેનો ય લો કૈંક લ્હાવો ... ઓ ભાઇ મારા

દુઃખી છે દુનિયામાં, રોવે છે કૈંક,
એનાં આંસુ લોઇને દુઃખ ટાળો;
ભૂખ્યાંનો દેવતા વૈશ્વાનર
તેને આહૂતિ આપી ઠારો ... ઓ ભાઇ મારા

પાણી ચઢાવો છોને શિવનો મંદિર ભાઇ,
તરસ્યાંના પ્રાણને પલાળો;
આરસનાં ઉભા મંદિર કરો ભલેને,
માનવની મ્હેલાતો બનાવો ... ઓ ભાઇ મારા

ભૂષણ ને વસ્ત્ર છોને મંદિરિયે આપો,
પેલા સૃષ્ટિનાં સ્વામી શણગારો;
વસ્ત્રવિનાનાં કૈંને વસ્ત્ર પહેરાવોને !
મરતા માનવને ઉગારો ... ઓ ભાઇ મારા

હાલે ચાલે છે ને જે કરુણા યાચે,
તેને પ્રેમનાં પાણીએ પખાળો,
આ જગના કોઇ જીવને દુભાવીને
તેના સ્વામીને ના પુકારો ... ઓ ભાઇ મારા

પ્રભુને પોકારો ભલે, દર્શનથી રાચો ભલે,
જીવન તમારું ઉજાળો;
તેનાં સ્વરૂપ એવાં દુનિયાના રૂપને
'પાગલ' કહે ના નકારો ... ઓ ભાઇ મારા

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit