Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી હોય કૃપા જો તો
        વાણી વહેતી થાય;
વહી રહેલી વાણી મંગલ
        ગીત તમારાં ગાય ... તમારી
 
મૂરખથી પણ મહાન કવિ તું,
        આસન શોભિત થાય;
યશભાગી સામાન્ય જન બને,
        થતાં તમારી સહાય ... તમારી
 
પામર પ્રાણી પંડિત બનતાં
        જ્ઞાનામૃત પી પાય;
પર્ણહીન પણ શીતળ એવી
        બને સર્વની છાંય ... તમારી
 
સ્નેહી શરણાગત તો પામે
        મિલ્કત જે જે ચ્હાય;
'પાગલ' પ્રાણ ધર્યો છે જેણે
        દિવ્ય તમારે પાય ... તમારી
 
તેથી માંગું તનમન મારું
        ભલે કૃપામાં નહાય;
રંકતણુ ધન સર્વસ્વ ને,
        દળદર છોને જાય ! ... તમારી
 
વાણીરૂપે પ્રકટ બનો ને
        અંતર મારું ગાય;
વિશ્વમહીં વ્યાપક હો સ્વર એ
        હરખ ન મારો માય.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit