તારી કાયા ખાશે કાળ, ના ગર્વ જરીપણ ધાર...તારી.
ભૂષણ ધારી ફરે કીમતી, તેમ સજે શણગાર;
દર્પણમાં જોતા ના થાકે, છોડ વિલાસ અપાર...તારી
યૌવન નથી સનાતન સાચે; છે ચપલા ચમકાર,
કામણગારી કાયા બળશે સ્મશાનને અંગાર....તારી
રૂપવાન ધનવાન ઘણાયે ખાઈ બેઠા માર;
તૂટી જશે ખરેખર તારો તેમજ કાચો તાર.....તારી
મમતા ના કર તેથી તેની, જડતા જૂની ટાળ;
'પાગલ' પરમાત્માને સેવી પામી લેજે સાર....તારી
- શ્રી યોગેશ્વરજી

