Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,
મહામૂલું એ દાન તમારું જેને સ્હેજ મળ્યું.

ધની થયો તે શ્રેષ્ઠ જગતમાં, તેનું દૈન્ય ટળ્યું,
યુગયુગનું અંધારુ ઉરનું દૂર થયું સઘળું.

નેત્ર મળ્યું ત્રીજું એ શિવનું જેને પણ જગમાં,
દુષ્ટ વાસના વિકાર જાગે ના તેની રગમાં.

કવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,
નવો થયો તે બ્રહ્મા જગમાં, તેનું મૃત્યુ મર્યુ.

અગમનિગમના ભેદ ઉકેલ્યા સ્મિત કરતાં તેણે,
પ્રેમ શાંતિ પ્રજ્ઞાથી પાવન જગ કીધું એણે;

જનની જેવું જીવન એનું જગને ભેટ મળ્યું,
મહાદાન દેવે દીધેલું જેને સ્હેજ મળ્યું.

જવાબદારી એને સોંપી સંસારે મોટી,
શક્તિ મળી તેને ના કરવી સ્વપ્ને યે ખોટી;

અખંડ જાગૃતિ તેમ વેદના તેને સ્હેજ મળી,
બીજાની હિતચિંતા કરુણા આપોઆપ વરી.

કવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,
બંધન તૂટ્યાં બંધાય તેના, જીવનકાર્ય સર્યું.

કવિની સાથે હોય ભક્તનું હૃદય જરીય ભળ્યું,
ગાવી તેની કેમ મહત્તા, અમુલખ એ ઐશ્વર્ય મળ્યુ !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit