સૌથી છેલ્લો ને છઠ્ઠો પ્રશ્ન ભરદ્વાજના પુત્ર સુકેશાએ પૂછ્યો છે. પ્રશ્નની શરૂઆત તે જુદી જ રીતે કરે છે. તે કહે છે કે કોસલ દેશના રાજકુમાર હિરણ્યનાભે મારી પાસે આવીને પૂછ્યું હતું : ‘હે ભરદ્વાજના પુત્ર, તમે સોળ કળાવાળા પુરૂષને જાણો છો ?’ તે રાજકુમારને મેં ઉત્તર આપ્યો કે ‘હું તેને નથી જાણતો. જો જાણતો હોઉં તો જરૂર કહું. જે જૂઠો જવાબ આપે છે તેનો નાશ થાય છે. માટે હું જૂઠું નહિ બોલું.’
મારો તે ઉત્તર સાંભળીને તે મૂંગો મૂંગો રથમાં બેસીને વિદાય થયો. તો હું તમને પૂછું છું કે સોળકળાવાળો એ પુરૂષ ક્યાં છે ? તમે તેને વિષે જાણો છો ?
સુકેશાની વાત કરવાની પદ્ધતિ તદ્દન સીધી, સચોટ ને સરળ છે. તેમાં કોઈ જાતનો દંભ કે આડંબર નથી. કોસલ દેશના રાજકુમારની સાથેના વાર્તાલાપનો જે પ્રસંગ તેણે જાહેર કર્યો છે તે તેની નિરભિમાનિતા, ભારોભાર નમ્રતા ને સત્યપ્રિયતા પુરવાર કરવા પૂરતો છે. પરંતુ મહર્ષિ પિપ્પલાદની વાત જુદી હતી. તે વધારે જ્ઞાની ને અનુભવી હતા. એટલે તે તેના પ્રશ્નનો ઉત્તર આપી શક્યા. કેટલાક લોકો એવા હોય છે જે સારી દુનિયા ને તેના બધા જ વિષયોનું જ્ઞાન ધરાવતા હોય એવો દેખાવ કરે છે. તેવા લોકોએ આ પ્રસંગ પરથી બોધપાઠ લઈને વધારે નમ્ર થવાની જરૂર છે. વિદ્યા હંમેશાં વિનયથી જ શોભે છે એ વાત જાણીતી છે.
મહર્ષિએ તેને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે એ પુરૂષ આ શરીરની અંદર જ રહેલો છે ને તેમાંથી જ સોળ કળા પેદા થાય છે. તેથી તે સોળ કળાવાળો કહેવાય છે. તે પુરૂષે વિચાર કર્યો : ‘કોના બહાર નીકળી જવાથી હું બહાર નીકળી જઈશ ને કોના સ્થિર રહેવાથી રહી શકીશ ?’ તે પછી તેણે પ્રાણને ઉત્પન્ન કર્યો. પ્રાણમાંથી શ્રદ્ધા, આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વી, ઈન્દ્રિય, મન ને અન્નની ઉત્પત્તિ થઈ. અન્નમાંથી વીર્ય, તપ, મંત્ર, કર્મ ને લોકો પેદા થયા ને લોકોમાં નામની ઉત્પત્તિ થઈ. જેમ સમુદ્ર તરફ જતી જુદીજુદી નદીઓ સમુદ્રમાં મળી જાય છે, તેમનાં નામરૂપ બદલાઈ જાય છે, ને તે સમુદ્ર તરીકે જ ઓળખાય છે, તેમ બધી કળાઓ તે પુરૂષને મળીને વિલય પામી જાય છે, તેમનાં નામરૂપ બદલાઈ જાય છે, ને તે પુરૂષ તરીકે જ ઓળખાય છે. તે પુરૂષ અકળ ને અમર છે. રથનાં પૈડાંની નાભિમાં આરા જેમ સ્થિર બન્યા છે તેમ એ પુરૂષમાં કળાઓ સ્થિર બની છે. તે પુરૂષ જ જાણવા જેવો છે. તેને જાણો તો મૃત્યુ તમને પીડા કે દુઃખ નહિ કરે.
એ પ્રમાણે પરમાત્માને જાણવાથી જ માણસ મૃત્યુંજય બની શકે છે એવું ભારપૂર્વક કહીને મહર્ષિએ કહ્યું કે પરબ્રહ્મ પરમાત્મા વિશે હું આટલે સુધી જ જાણું છું. તેમના તે શબ્દો પણ નમ્રતાથી ભરેલા છે.
આવા મહાન જ્ઞાનદાતા ગુરૂને પિતા તરીકે માનવામાં ને પૂજવામાં શી હરકત છે ? તે તો પિતાથી પણ મંગલ છે. કેમ કે જ્ઞાન દ્વારા નવો જન્મ ને નવો પ્રકાશ પૂરો પાડે છે. તેવા ગુરૂને માતા, પિતા, બંધુ, સખા, જીવનધન ને સાક્ષાત્ પરમાત્મા બરાબર કહીને જે અંજલિ આપવામાં આવી છે તે તદ્દન યોગ્ય જ છે. છ શિષ્યોએ તેમની પૂજા કરી ને પોતાની કૃતજ્ઞતા બતાવી કહ્યું કે તમે અમને અવિદ્યાની પેલે પાર લઈ ગયા છો તે માટે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
એવા કેટલાય જિજ્ઞાસુ આ ઉપનિષદના મનનથી એવો જ અનુભવ કરતા હશે. તે મહર્ષિને કોઈના આભારદર્શનની ક્યાં પડી છે ! માનવજાતિના પરમહિતેચ્છુ એવા ઋષિવરોને આપણા નમસ્કાર હો, અનેક વાર નમસ્કાર હો !
*
છઠ્ઠો પ્રશ્ન સમાપ્ત

પ્રશ્નોપનિષદ સમાપ્ત
*
*