if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રામાયણના વખતનો નાનકડો છતાં સુંદર સારવાહી પ્રસંગ છે.

એ પ્રસંગની પાછળ કવિની કલ્પનાએ પણ થોડું કામ કર્યું હોય એવો સંભવ છે.

છતાં પણ એ પ્રસંગ અત્યંત રસમય અને ઉલ્લેખનીય છે એ તો નક્કી જ.

રાવણે સીતાનું હરણ કર્યું, તે પછી સીતાને પાછી મેળવવા માટે રામે સાગરને પાર કરીને લંકા જવાની તૈયારી કરી.

પરંતુ સાગરને બીજે કિનારે જવું કેવી રીતે ?

વિશાળ અથવા અસીમ સાગરને પાર કરવાનું શું સહેલું છે ?

તો પણ સાગરને નાથવાની જરૂર તો હતી જ. રામમાં એને માટેનું જરૂરી સંકલ્પબળ હતું.

એ સંકલ્પબળની સાથે નલ અને નીલનું જન્મજાત અસાધારણ બળ ભળ્યું, ને એના પરિણામરૂપે સાગરને પાર કરવાનું કઠિન કામ સહેલું બન્યું. સાગર પર સેતુ બંધાવા માંડ્યો.

રામ અને સીતાના પુનર્મિલનના પુણ્ય કામમાં મદદરૂપ થનારા એ સુંદર સૌભાગ્યવાન સેતુની રચનામાં નલ તથા નીલે તો પોતાનો મહામૂલ્યવાન અજોડ ફાળો આપ્યો જ. પરંતુ રામના સખા ને સહચર વાનરયોદ્ધાઓએ પણ મદદ કરી.

કહે છે કે સેતુની રચનામાં સહાયક થવાની ભાવનાથી એક ખિસકોલી પણ ત્યાં આવી પહોંચી.

એની કાયા નાની છતાં ભાવના મોટી હતી. એ ભાવનાથી પ્રેરાઈને એણે શું કરવા માંડ્યું તે જાણો છો ? એને થયું કે આ તો એક મહામૂલ્યવાન યજ્ઞ થઈ રહ્યો છે. એ લોકોપકાર યજ્ઞમાં જ્યારે સૌ કોઈ પોતપોતાના ગજા પ્રમાણેની આહુતિ આપી રહ્યા હોય ત્યારે મારાથી નિષ્ક્રિય રીતે બેસી કેવી રીતે રહેવાય ? તટસ્થ પ્રેક્ષકની પેઠે સેતુ રચનાનું નિરીક્ષણ કરવા કરતાં મારે તેમાં બનતો ફાળો આપવો જોઈએ.       

બસ, પછી તો એ ભાવનાનો અમલ કરવામાં વિલંબને કારણ જ ક્યાં હતું ? ખિસકોલીએ તો પોતાની નાની સરખી સાધના શરૂ કરી. પોતાના મુખની મદદથી કિનારા પરથી રેતી લાવીલાવીને એણે સેતુ માટે નાખવા માંડી. સ્વભાવસહજ ચપળતાથી એણે એ કામ કરવા માંડ્યું.

કામ સાધારણ હતું, પરંતુ એની પાછળનું દિલ એકદમ અસાધારણ.

રામની વેધક, ગુણગ્રાહી, દૈવી દૃષ્ટિથી એ દિલ કેવી રીતે છૂપું રહી શકે ?

એમણે ખિસકોલીના અનુરાગપૂર્ણ અંતરને ઓળખી લઈ, એની પાછળની ભાવનાને પિછાની, એની કોમળ કાયા પર હાથ મૂક્યો. ખિસકોલીને જાણે કે પારિતોષિક મળી ગયું. એનું પ્રત્યેક પરમાણુ પ્રફુલ્લ પ્રફુલ્લ બની ગયું. આટલી સાધારણ સેવા પણ શ્રીરામના ધ્યાન બહાર રહે તો તે રામ શેના ? એ સેવાથી કાંઈ સેતુ તૈયાર નહોતો થવાનો. છતાં પણ એ સેવા સેવા હતી અને એને પોતાનું આગવુ મૂલ્ય હતું એની કોણ ના કહી શકશે ?

કહે છે કે ખિસકોલીના શરીર પર રામે હાથ મૂક્યો ત્યારથી એના પર અંગુલિનાં નિશાન પડી ગયાં છે. એ વાતને વાત જ માનીએ અને એની વિશેષ ચર્ચાવિચારણામાં ન ઊતરીએ તો પણ, એના પરથી આપણે જે સાર તારવવાનો છે તેને તો કશી હરકત નથી જ આવતી. આપણા સૌનું ધ્યાન એ સાર તરફ રહે તે જરૂરી છે.

સીતા શાંતિ અથવા તો સમૃદ્ધિ છે. દેશની એ શાંતિ તથા સમૃદ્ધિરૂપી સીતાનું કેટલાય કાળથી હરણ થયું છે. એના વિના દેશના આત્મારૂપી રામની દશા કફોડી છે. એ વ્યગ્ર છે, વ્યાકુળ છે, દીન છે અને હીન છે, એને આરામ નથી. અને ક્યાંથી હોય ? પોતાની ચિરકાળથી ખોવાયેલી શાંતિસમૃદ્ધિને એ ઝંખે છે. ફરી મેળવવા માંગે છે અને એના માટે પુરુષાર્થપરાયણ થઈને સેતુ પણ બાંધે છે. એ સેતુનિર્માણમાં એને દેશના નેતા, વિચારક તથા સેવકોનો સાથ અને સહકાર છે. પરંતુ દેશના નવનિર્માણનો એ યજ્ઞ, સુખ, શાંતિ ને સમૃદ્ધિને મેળવી આપનારો એ સેતુ, એટલા માત્રથી જ પૂરો થઈ શકશે ? એમાં સૌએ પોતપોતાનો યથાશક્તિ ફાળો આપવો પડશે. એક મંગલ કર્તવ્ય સમજી, ધર્મ માની, પ્રત્યેક દેશવાસીએ પોતપોતાની રીતે ખિસકોલી બનીને દેશના અભ્યુત્થાનને માટે બનતો ત્યાગ કે પુરુષાર્થ કરવો રહેશે. એ વિશાળ યજ્ઞમાં સૌએ આહુતિ આપવી પડશે. સૌનો સહકાર જોઈશે. નાનીમોટી સર્વ પ્રકારની સેવાની એમાં જરૂર રહેશે ત્યારે જ તે સફળ થશે કે સાર્થક ઠરશે.

દેશને માટે ફના થવાની કે કાંઈક કરી છૂટવાની એ ભાવના, વિચારણા ને વૃત્તિને પ્રકટાવવાની અને પ્રબળ બનાવવાની જરૂર છે. પ્રત્યેક દેશવાસીનાં દિલમાં એવી ભાવના પેદા થશે અને એને મૂર્ત રૂપ મળશે ત્યારે દેશના નવનિર્માણનો એ સેતુ અવશ્ય તૈયાર થઈ જશે. દેશનાં અનેક અનિષ્ટોનો અંત આવશે. રાવણ રણમાં રોળાશે ને દેશ એકવાર ફરી શાંતિ, સદાચાર તથા સમૃદ્ધિરૂપી સીતાથી સંયુક્ત બનશે. સૌ એ સેતુની રચનામાં સહકાર આપે. કોઈ ભૂલેચૂકે પણ એને તોડીફોડી નાખવાની વૃત્તિપ્રવૃત્તિ તો ન જ કરે. એવી વૃત્તિપ્રવૃત્તિને સાથ પણ ન આપે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.