if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણની લોકપ્રિયતા આટલી બધી કેમ છે તે જાણો છો ? એની લોકપ્રિયતાનાં કારણો કેટલાય છે, એની ચર્ચાવિચારણા અહીં અસ્થાને છે. છતાં પણ એની લોકપ્રિયતાના એક અત્યંત અગત્યના કારણ તરફ અંગુલિનિર્દેશ કર્યા વિના નથી રહી શકાતું કે એની શૈલી, ભાષા ને ભાવના લોકભોગ્ય છે. લોકભોગ્ય ભાષામાં લોકહૃદયને સ્પર્શતા કે અસર કરતા ભાવો, વિચારો ને પ્રસંગોને એમાં એટલી બધી કળાત્મક રીતે વણી લેવામાં આવ્યા છે કે વાત નહિ. માટે જ વરસો વીતી ગયાં ને વીતતા જાય છે તો પણ એની અસરકારકતા ઓછી નથી થતી.

એ રામાયણના લંકાકાડના એક રસમય, સરળ, છતાં માર્મિક પ્રસંગ પર ઊડતી નજર નાખી જઈએ.

લંકાના ભીષણ યુદ્ધમાં મેઘનાદે લક્ષ્મણને શક્તિ મારીને મૂર્છિત કરી દીધા.

એ જીવલેણ શક્તિના પ્રભાવથી લક્ષ્મણ નીચે ઢળી પડ્યા.

ચારેકોર હાહાકાર થઈ રહ્યો.

લક્ષ્મણને ધરતી પર ઢળેલા જોઈને રામનું હૃદય અતિશય કરૂણ બની ગયું ને રડવા લાગ્યું. વિવિધ પ્રકારે મર્મભેદક વિલાપ કરતાં શ્રીરામ કહેવા માંડ્યા કે સંસારમાં સઘળું હોય પણ ભાઈ વિના એ સઘળાની કિંમત કશી જ નથી. એ બધું નીરસ છે. જે ભાઈએ મારે ખાતર વનવાસનાં કપરાં કષ્ટો વેઠીને મારી સ્મિતપૂર્વક સેવા કરી તે ભાઈથી વંચિત થઈને હવે હું શું મોઢું લઈને અયોધ્યા પાછો જઈશ ? અયોધ્યામાં લક્ષ્મણ વિના પગ મૂકવાનું કેવી રીતે ગમશે ? આ કેવો દંડ ?

રામના વિલાપથી વાતાવરણ બદલાઈ ગયું.

એમના આત્માની સાથે સમસ્ત સૃષ્ટિનો આત્મા જાણે કે આક્રંદ કરવા લાગ્યો.

પરંતુ એવી રીતે આક્રંદ કરતા રહેવાથી શું વળે ? લક્ષ્મણ મૂર્છિત થયા છે એ સાચું, પણ એમની મૂર્છા વળે અને એ ફરી પાછા સ્વસ્થ થાય એ માટેના પ્રયાસો તો કરવા જોઈએ ને ? રાત્રીનો અંધકાર બધે છવાઈ ચૂક્યો છે ને સવાર થતાં ફરી યુદ્ધનો આરંભ થશે. એ પહેલાં તો લક્ષ્મણને સાજા કરવા જોઈએ.

હનુમાનજીની સહાયથી સુષેણ વૈદને લંકામાંથી શ્રી રામ પાસે લાવવામાં આવ્યા.

સુષેણ વૈદે લક્ષ્મણને તપાસીને કહ્યું કે હિમાલયના પાવન પ્રદેશમાં સંજીવની બુટ્ટી થાય છે. તેને જો સવાર થતાં પહેલાં લાવવામાં આવે તો લક્ષ્મણજી સાજા થઈ શકે.

પરંતુ સંજીવની બુટ્ટી લાવે કોણ અને એ પણ આટલા ઓછા સમયમાં ?

બધાની નજર હનુમાનજી પર ઠરી. હનુમાનજી વિના બીજું કોઈ જ એ કામ કરી શકે તેમ ન હતું.

રામચંદ્રજીએ પણ હનુમાનજીને આજ્ઞા કરી એટલે હનુમાનજી ઉઠ્યા.

પ્રભાતનો પાવન પ્રકાશ પૃથ્વી પર ફરી વળે તે પહેલાં તો એ સંજીવની બુટ્ટી લઈને આવી પહોંચ્યા. પરિણામે લક્ષ્મણની મૂર્છા વળી અને એ સંપૂર્ણ સ્વસ્થ થયા.

બીજે દિવસે યુદ્ધ પાછું શરૂ થયું.

આ આખોયે પ્રસંગ શું સૂચવે છે ? એમાં એકથી વધારે જીવનોપયોગી સારતત્વો સમાયેલા છે. આ પ્રસંગનો સૌથી પ્રથમ સંદેશ તો એ છે કે રામને લક્ષ્મણ પ્રત્યે કેટલો બધો પ્રેમ છે ! ભાઈ-ભાઈ વચ્ચે એવો પવિત્ર પ્રેમ હોવો જોઈએ. પ્રેમની એ મધુર મંદાકિની આજે સૂકાઈ ગઈ છે.

બીજો સંદેશ દાસભક્તિનો છે. હનુમાનજી રામના સાચા સેવક હતા તેથી તે સંજીવની બુટ્ટી લેવા જવા તરત જ તૈયાર થયા. કોઈ સાધારણ દાસ, સેવક કે ભક્ત હોત તો બહાનું કાઢત કે અત્યારે ક્યાં જઉં....અત્યારે તો અંધારું છે, ઊંઘ આવે છે ! પરંતુ આ તો દાસ્યભક્તિના પ્રતિક જેવા હનુમાનજી હતા. એમણે એવું કોઈ જ બહાનું ના કાઢ્યું. સેવકના દિલમાં સ્વામીને માટેનો એવો ઉત્કટ ભક્તિભાવ હોવો જોઈએ. સેવકનું જીવન જ સ્વામીની સેવા માટે હોય.

આ પ્રસંગનો આધ્યાત્મિક અર્થ પણ કરી શકાય છે. રામ ઈશ્વર છે. લક્ષ્મણ જીવ છે. મેઘનાદ બીજું કાંઈ જ નથી પણ માયાવી પદાર્થ, માયા કે વાસના છે. જીવ તેથી મૂર્છિત છે. તેની મૂર્છા કે વાસના કેવી રીતે જાય ? સુષેણ વૈદ એટલે કે સુષુમ્ણા નાડીનો તેને પરિચય થાય. એ નાડીમાં પ્રવેશીને એ સંજીવની બુટ્ટી એટલે કે હિમાલય જેવા ઉત્તમ ને શાંત બ્રહ્મરંધ્ર પ્રદેશની પરમાત્મપરાયણ વૃત્તિમાં લીન થાય. તો જ એને નવજીવન મળે, એની જડતા ટળે, અને એની આધિવ્યાધિ મટી શકે. એ સંજીવની બુટ્ટીનો સંપર્ક કેવી રીતે સાધી શકાય ? એ બુટ્ટી અથવા પરમાત્મપરાયણ વૃત્તિ હનુમાનજીને જ મળી શકે.

હનુમાનજી એટલે શું તે કલ્પી શકો છો ? મારૂત તુલ્ય વેગવાળી મનોવૃત્તિવાળા, જીતેન્દ્રિય એવા સમર્થ સદ્દગુરુ અથવા તો યોગીની પોતાની પવિત્ર પ્રજ્ઞાશક્તિ. એને ઋતંભરા પ્રજ્ઞા પણ કહેવામાં આવે છે. એની મદદથી માણસ પરમાત્મપરાયણ બને કે બ્રહ્માકાર વૃત્તિને સહેજે પહોંચી શકે.

રામાયણના પ્રસંગનો આ ગર્ભિત સાર કેટલો બધો ઉત્સાહપ્રેરક અને ઉપયોગી છે ? રામાયણને આવી રીતે વાંચીએ કે વિચારીએ તો ખરેખર લાભ થાય.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.